ડાંગના પર્વતારોહકની મોટી સિદ્ધિ, 17500 ફૂટ ઊંચાઈએ કાબરુ શિખરની ટોચે તિરંગો લહેરાવ્યો
Image Twitter |
A Great achievement of a Mountaineer from Dang: ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામના પર્વતારોહક યુવકે 17,500 ફિટની ઊંચાઇનાં કાબરૂ શિખરની ટોચ પર ભારત દેશનો તિરંગો લહેરાવ્યો હતો. તેને ગુજરાત સરકાર દ્વારા 30 હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ ખાતે ઉપલબ્ધ એડવેન્ચર કોર્સ, બેઝિક કોર્સ, ઍડ્વાન્સ કોર્સ, કોચિંગ કોર્સ અને રોક ક્લાઇમ્બિંગ કોર્સમાં સફળતાપૂર્વક ભાગ લઈ ડાંગનો યુવા પર્વતારોહક ભોવન રાઠોડ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન લઇને પર્વતારોહકની વિવિધ તાલીમ લઈ રહ્યો છે.
ભોવાને હિમાલય માઉન્ટેન ઇન્સ્ટિટ્યુટ-દાર્જિલિંગમાં તાલીમ પૂર્ણ કરી
ભોવાન રાઠોડ હાલમાં જ હિમાલય માઉન્ટેન ઇન્સ્ટિટ્યુટ-દાર્જિલિંગ ખાતે તાલીમ પૂર્ણ કરી માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તાલીમમાં પસંદગી પામ્યો છે. ડાંગના ચિરાપાડા ગામના ભોવન રાઠોડને પર્વતારોહકની તાલીમ માટે પશ્ચિમ બંગાળ અને ભારત સરકારની ડિફેન્સ મિનિસ્ટ્રી હસ્તક ચાલતી પર્વતારોહક સંસ્થા હિમાલય માઉન્ટેઇન ઇન્સ્ટિટ્યુટ, દાર્જિલિંગ ખાતે પસંદગી થઈ હતી.
અહીં ટ્રેનિંગ લીધા પછી શિખર પર 13 કિલોમીટર વેટ લોડ ફેરી હાઇ એલ્ટિટ્યુડ પર રનિંગ ત્રણ કલાકમાં પૂરું કરવાનું હતું. તેમાં ભોવાન રાઠોડે 16 કિલો અને 700 ગ્રામના વજન સાથે માત્ર 2 કલાકમાં જ રનિંગ પૂર્ણ કરી નવો રૅકર્ડ પ્રસ્થાપિત કર્યો છે. તેણે 17,500 ફિટની ઊંચાઈના કાબરૂ શિખરની ટોચ પર ભારત દેશનો તિરંગો લહેરાવ્યો હતો. આ શિખર સર કરવા બદલ ભોવાન રાઠોડને ગુજરાત સરકાર દ્વારા 30 હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
હાડ ધ્રુજાવી નાખતી ઠંડીમાં રહીને કરે છે સખત મહેનત
ઉલ્લેખનીય છે કે, ભોવાન રાઠોડ બીએસએફ, આર્મી, નેવી કમાન્ડોની પહેલી ટીમમાં પસંદગી થઈ નવો રૅકર્ડ પ્રસ્થાપિત કરતાં તેઓની ગ્લેશિયર ખાતે માઉન્ટ એવરેસ્ટ માટેની ટ્રેનિંગ માટે પસંદગી કરવામાં આવી છે. ગ્લેશિયરમાં આખું શરીર જામ કરી નાખે તેવી ઠંડી તેમજ ચઢાણ વખતે સ્નો ફોલના કારણે વારંવાર અડચણો આવતી હોય છે. આ સાથે ઊંચાઈ પર હવા પાતળી હોય છે. તેમજ હાડ ધ્રુજાવી નાખે તેવી ઠંડીમાં રહીને પણ તેઓ રાજ્ય અને દેશનું નામ ઊંચું કરવા સખત તનતોડ મહેનત કરી રહ્યા છે.