Get The App

ફ્રોડ થશે તેવી બીકથી લોકો માહિતી આપતા ડરે છે, કૂતરાથી બચવા લાકડી રાખવી પડે છે

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
ફ્રોડ થશે તેવી બીકથી લોકો માહિતી આપતા ડરે છે, કૂતરાથી બચવા લાકડી રાખવી પડે છે 1 - image

વડોદરાઃ વડોદરા શહેરમાં હાલમાં વસ્તી ગણતરી ચાલી રહી છે.ભારત જેવા વિશાળ દેશમાં વસ્તી ગણતરીના પડકારજનક કાર્યના પાયામાં શિક્ષકો છે.વડોદરા શહેરમાં જ ૧૦૦૦ કરતા વધારે શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી છે અને તે તા.૩૦ જૂને પૂરી થશે.વસ્તી ગણતરીમાં શિક્ષકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ કામગીરીમાં જોડાયેલા શિક્ષકોનું કહેવું છે કે, લોકોની વ્યક્તિગત જાણકારીનો દુરપયોગ કરીને થતી છેતરપિંડીની ઘટનાઓના કારણે ઘણા લોકો અમારા પર પણ ફ્રોડ કરવા આવ્યા હોવાની શંકા કરે છે.શિક્ષિત લોકોની સરખામણીએ ઓછુ ભણેલા લોકોમાં આ કામગીરી અંગે ઓછી જાગૃતિ હોવાથી પણ મુશ્કેલી વધે છે.ઉપરાંત કેટલાક વિસ્તારોમાં કૂતરાઓનો પણ ત્રાસ હોવાથી લાકડી રાખવી પડે છે અથવા સ્થાનિક લોકોને જોડે રહેવા માટે વિનંતી કરવી પડે છે.

મહિલા શિક્ષકોની પોતાની સમસ્યા છે.તેમનું કહેવું છે કે, મહિલા શિક્ષકોને પણ એકલા જ વસ્તી ગણતરી માટે ઘરે-ઘરે ફરવું પડે છે અને ક્યારેક તેના કારણે ડર પણ લાગે છે.પુરુષ શિક્ષકો કરતા મહિલા શિક્ષકોને ઓછા ઘર ફાળળવા માટે તંત્રે વિચારવું જોઈએ.

કેટલીક જગ્યાએ સીસીટીવી  નથી હોતા, બીક લાગે છે

મહિલા શિક્ષકોને પણ પુરુષ શિક્ષકોની જેમ ૩૫૦ જેટલા ઘરો ગણતરી માટે ફાળવવામાં આવ્યા છે.જે ખરેખર વધારે છે.કેટલીક જગ્યાએ લોકો સવાલ કરે છે કે, તમે કેમ આવ્યા છો? ત્યારે આઈ કાર્ડ બતાવવું પડે છે.કેટલીક જગ્યાએ સીસીટીવી પણ નથી હોતા અને ત્યાં જતા ડર લાગે છે.મારા સાથી શિક્ષિકાને તો આજવા રોડ પર ૧૦૦૦ જેટલા ઘર ફાળવી દેવાયા છે.તેમણે રજૂઆત કરી પણ તંત્રે હાથ અધ્ધર કરી દીધા હતા.એટલે હું તેમને મદદ કરું છું.

નિલમબેન યોગેન્દ્રભાઈ, શિક્ષિકા, સયાજીપુરા પ્રાથમિક સ્કૂલ

સરકારી કર્મચારીઓ પણ માહિતી આપતા ખચકાય છે

લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્નો થયા નથી અને ઘણી જગ્યાએ લોકો પૂછે છે કે, શેના માટે આવ્યા છો.ઘર્ષણ પણ થાય છે.કેટલીક જગ્યાએ લોકો માહિતી આપતા નથી અને સરકારી કર્મચારીઓ પણ જાણકારી આપતા ખચકાય છે ત્યારે આશ્ચર્ય લાગે છે.વસ્તી ગણતરીના બીજા તબક્કામાં તો ઘણી જાણકારી મેળવવાની થશે ત્યારે સરકારે જાગૃતિ લાવવા અત્યારથી અભિયાન ચલાવવાની જરુર છે.

પિનાકીન પટેલ , શિક્ષક અને નગર પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ

લોકો મકાનો તોડવા આવ્યા તેવી શંકા કરે છે 

વારસિયામાં મને જે વિસ્તાર સોંપવામાં આવ્યો છે તે સ્લમ વિસ્તાર છે અને ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન મકાનો તોડવાનું છે તેવી અફવા ફેલાઈ છે.જેના કારણે વસ્તી ગણતરી કરવા માટે ગયો તો મારા પર લોકો શંકા કરવા માંડયા હતા.તેમને વસ્તી ગણતરીના સવાલો પૂછતા જ ઉગ્ર થઈ ગયા હતા.આ વિસ્તારમાં કૂતરા પણ પાછળ દોડયા હતા.સ્થાનિક આગેવાનો, અહીં રહેતા વાલીઓને સાથે રાખી કામગીરી કરવી પડી હતી.

શૈલેષ બારિયા, શિક્ષક, વારસીયાની ઈન્દુલાલ યાજ્ઞિાક સ્કૂલ

વસ્તી ગણતરી માટે નિમણૂક થઈ છે તેવો પૂરાવો માગે છે

ઘણા લોકો સહકાર આપે છે પણ કેટલાકને શંકા જાય છે કે, અમે જે જાણકારી આપીએ છે તેનો દુરપયોગ થઈ શકે છે.જેના કારણે તેમને સમજાવવા પડે છે.કેટલાક તો વસ્તી ગણતરી માટે નિમણૂક થઈ છે તેનો પૂરાવો એને પોલીસ વેરિફિકેશનની માગણી કરે છે.સવારથી બપોર સુધી સ્કૂલમાં ભણાવ્યા બાદ વસ્તી ગણતરી કરવાનું કામ શરુ થાય છે અને અમે સાંજે ઘરે પહોંચીએ છે.કેટલીક જગ્યાએ લોકો દિવસે નથી મળતા તો રાત્રે જવું પડે છે.

હાર્દિક પટેલ, શિક્ષક, પાણીગેટની ઝવેરચંદ મેઘાણી સ્કૂલ  

શિક્ષિત વિસ્તારોમાં વાંધો નથી આવતો

લોકો શિક્ષિત હોય તેવા વિસ્તારોમાં વાંધો નથી આવતો.લોકો માહિતી પણ આપે છે અને તમામ મદદ કરે છે.આડોશ- પાડોશમાં પણ સંપર્ક કરાવી આપે છે.મને તો કોઈ ખાસ તકલીફ પડી નથી.

કે.પ્રજાપતિ, શિક્ષક, જીઈબી વિદ્યાલય

એકલા જતા કૂતરા કરડવાનો ડર લાગે છે

ઘરમાં જો મહિલા એકલી હોય તો તે જાણકારી આપતા ગભરાય છે.ઉપરાંત લોકો જાત-જાતના સવાલો કરે છે.અમારે તેમને વિશ્વાસ અપાવવા માટે ફોન નંબર આપવો પડે છે અને કહેવું પડે છે કે, એવું હોય તો તમે ફોટો પાડી લો.કૂતરાઓ કરડવાનો ડર લાગે છે.જેના કારણે લાકડી રાખવી પડે છે.કેટલીક જગ્યાએ અમે શિક્ષકો ભેગા થઈને જઈએ છે કે, સ્થાનિક લોકોની મદદ લઈએ છે.આ બાબતે સબંધિત વોર્ડ ઓફિસમાં પણ જાણ કરી છે.

પરેશ પટેલ, શિક્ષક, આદર્શ હિન્દી વિદ્યાલય