ચૈતર વસાવાની જામીન અરજી આજે દાખલ ન થઈ શકી, કેસના કાગળો સમયસર જિલ્લા કોર્ટમાં ન પહોંચ્યા
Chaitar Vasava's Bail Process : આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાની જામીન અરજી આજે (7 જુલાઈ) રાજપીપળા જિલ્લા કોર્ટમાં દાખલ થઈ શકી નથી. ડેડીયાપાડા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાંથી કેસના કાગળો સમયસર રાજપીપળા જિલ્લા કોર્ટમાં ન પહોંચી શકતા, સાંજે 5 વાગ્યાની ઓનલાઇન સમયમર્યાદા પૂરી થતા જામીન અરજી દાખલ થઈ શકી નથી. હવે તેમની જામીન અરજી આવતીકાલે મંગળવારે દાખલ કરવામાં આવશે.
કેસના કાગળો ન મળતાં જામીન અરજી દાખલ ન થઈ શકી
ગઈકાલે, ડેડીયાપાડા કોર્ટના મેજિસ્ટ્રેટ રજા પર હોવાને કારણે ચૈતર વસાવાના કેસનું પ્રોડક્શન રાજપીપળા ખાતેની કોર્ટમાં કરવામાં આવ્યું હતું. આ કારણે, કેસના કાગળો મેળવવા માટે વસાવાના વકીલોને ડેડીયાપાડા કોર્ટમાં જવું પડ્યું હતું.
વસાવાને વધુ એક દિવસ જેલમાં રહેવું પડશે
જિલ્લા કોર્ટમાં જામીન અરજી કરવાની કામગીરી ઓનલાઇન હોય છે. આજે સમયસર કાગળો ન પહોંચી શકવાને કારણે ચૈતર વસાવાની જામીન અરજી દાખલ થઈ શકી નથી. આ ટેક્નિકલ ખામી અને સમયમર્યાદાના કારણે વસાવાને વધુ એક દિવસ જેલમાં રહેવું પડશે. આવતીકાલે મંગળવારે તેમની જામીન અરજી વિધિવત રીતે દાખલ કરવામાં આવશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: મનરેગા કૌભાંડને ઉજાગર કરનારા AAPના MLA ચૈતર વસાવાની લાફા પ્રકરણ કેસમાં ધરપકડ
શું છે મામલો?
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગત શનિવારે (5 જુલાઈ) ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT(આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરાઈ હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
જ્યારે રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાના રિમાન્ડ અને જામીન અરજી બંને નામંજૂર કરતાં ચૈતર વસાવાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે. હવે ચૈતર વસાવાને સેશન્સ કોર્ટમાંથી જામીન લેવા માટે આજે સોમવારે (7 જુલાઈ)એ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવાની હતી, પરંતુ સમયમર્યાદા પૂરી થતાં જામીન અરજી દાખલ થઈ શકી નથી.