રાજપીપળા કોર્ટમાં વકીલોને પ્રવેશ ન આપવાનો વિવાદ, પોલીસ અધિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા એડવોકેટ જનરલને પત્ર લખાયો
Narmada News : નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કોર્ટરૂમમાં વકીલોને પ્રવેશતા અટકાવવા બદલ મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે હાઈકોર્ટના વકીલ અને લીગલ સેલના નેતા પુનીત જુનેજાએ એડવોકેટ જનરલને પત્ર લખીને નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) વિરુદ્ધ ફોજદારી અવમાનનાની કાર્યવાહી શરૂ કરવાની માગ કરી છે. જુનેજાએ જણાવ્યું કે, પોલીસે કોર્ટ પરિસરને બંધ કરી દીધું હતું અને વકીલોને તેમના મુવક્કિલ માટે દલીલ કરવા કોર્ટમાં પ્રવેશતા અટકાવ્યા હતા, જે એડવોકેટ એક્ટનો ખુલ્લો ભંગ છે.
પોલીસ કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો
વકીલ પુનીત જુનેજાના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાજપીપળા કોર્ટમાં વકીલ ગોપાલ ઈટાલિયા અને વકીલ આકાશ મોદીને પોલીસ દ્વારા કોર્ટરૂમમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા. જુનેજાએ ભારપૂર્વક જણાવ્યું કે, એડવોકેટ એક્ટ હેઠળ કોઈપણ વકીલને તેના મુવક્કિલ માટે દલીલ કરવા માટે કોર્ટમાં પ્રવેશતા રોકી શકાય નહીં.
ન્યાયિક પ્રણાલીનું ઉલ્લંઘન?
પુનીત જુનેજાએ તેમના પત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે નર્મદા પોલીસે અદાલત દ્વારા સ્થાપિત નિર્ણયોનું ઉલ્લંઘન કર્યું છે. આ ઘટના માત્ર વકીલોના અધિકારોનું ઉલ્લંઘન નથી, પરંતુ ન્યાયિક પ્રક્રિયામાં પોલીસ દ્વારા કરવામાં આવેલી દખલગીરી પણ દર્શાવે છે. અદાલતના આદેશોની અવમાનના બદલ નર્મદા SP વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવા માટે એડવોકેટ જનરલને લખવામાં આવેલો આ પત્ર સમગ્ર મામલાની ગંભીરતા દર્શાવે છે. આ ઘટનાથી વકીલ આલમમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ ન્યાયિક પ્રણાલીની સ્વતંત્રતા જાળવી રાખવા માટે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.