AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ રહેવું પડશે જેલમાં, હાઇકોર્ટમાં જામીન અરજી પર સુનાવણી ન થઈ
Chaitar Vasava News: દેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની 5 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. જોકે, હવે ચૈતરની મુશ્કેલીમાં વધારો થયો છે. કારણ કે, હાઇકોર્ટનો સમય પૂર્ણ થતાં જામીન અરજી પર સુનાવણી ન થઈ. હવે આગામી 13 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.
13 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી
નોંધનીય છે કે, આ પહેલાં નીચલી કોર્ટ અને સેસન્સ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દીધી હતી. જોકે, ત્યારબાદ AAP નેતાએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજીની સુનાવણીની મુદત પાડવામાં આવી હતી. કોર્ટે જામીન અરજી પર તાત્કાલિક ચુકાદો ન આપતા 5 ઓગસ્ટે સુનાવણીની મુદત આપી હતી. ત્યારબાદ આજે (5 ઓગસ્ટ) પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને રાહત નથી મળી. કારણ કે, ગુજરાત હાઈકોર્ટનો સમય પૂર્ણ થઈ જતા જામીન અરજી પર સુનાવણી થઈ નથી. 13 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ગત 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે.
આ પણ વાંચો: ખેતરમાં ઝટકા મશીનનો કરંટ લાગતા GRD જવાન સહિત બેના મોત, ભરૂચના ગુંદિયા ગામની ઘટના
શું છે સમગ્ર મામલો?
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગત શનિવારે (5 જુલાઈ) ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.
આ પણ વાંચો: આઉટસોર્સિંગના કારણે અમારી નોકરીઓ છીનવાઈ રહી છે, MGVCLની બહાર ઉમેદવારોના દેખાવો