આઉટસોર્સિંગના કારણે અમારી નોકરીઓ છીનવાઈ રહી છે, MGVCLની બહાર ઉમેદવારોના દેખાવો
Vadodara MGVCL Protest : રાજ્ય સરકારની તમામ વીજ કંપનીઓમાં ભરતી પ્રક્રિયામાં થઈ રહેલા ધાંધિયાને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી વીજ કંપનીઓમાં વિવિધ કામગીરીનું આઉટસોર્સિંગ કરીને ભરતી બંધ કરી દેવાની અઘોષિત નીતિ વીજ કંપનીના સત્તાધીશોએ અમલમાં મૂકી છે. જેના કારણે વીજ કંપની દ્વારા લેવાતી પરીક્ષાઓ પાસ કરનારા ઉમેદવારો પણ નોકરીથી વંચિત છે.
મળતી વિગતો પ્રમાણે આજે મધ્ય ગુજરાત વીજ કંપનીની સામે ઉમેદવારોએ વીજ કંપનીના રેસકોર્સ સ્થિત હેડ ક્વાર્ટરની બહાર દેખાવો કર્યા હતા. ઉમેદવારોનું કહેવું હતું કે, અમે પહેલાં તો બે વર્ષ આઇટીઆઇમાં કોર્સ કર્યો હતો અને એ પછી વીજ કંપનીમાં એક વર્ષ માટે એપ્રિન્ટસશિપ કરી હતી. એ પછી પરીક્ષાની તૈયારી કરી હતી અને 6 મહિના પહેલા વિદ્યુત સહાયકો માટે મધ્ય ગુજરાત વીજ કંપનીની પરીક્ષા આપી હતી.
1500થી 2000 જેટલા ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી ચૂકયા છે પરંતુ હવે વીજ કંપનીના સત્તાધીશો ભરતી કરવાની જગ્યાએ જેમ જેમ જગ્યા થશે તેમ ભરતી કરીશું તેવો જવાબ આપી રહ્યા છે. બીજી તરફ વીજ લાઇનો પરની ટેકનિકલ કામગીરીનું આઉટસોર્સિંગ કર્યું છે અને તેમાં 1200 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. ઉમેદવારોએ કહ્યું હતું કે, અમે 10 દિવસ પહેલા પણ રજૂઆત કરવા આવ્યા હતા અને એ પછી પણ સત્તાધીશોએ ખાતરી નહીં આપી હોવાથી આજે અમારે ફરી દેખાવો કરવાની ફરજ પડી છે.