Get The App

લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
લાકડીઓ વડે કાચ તોડી ગાડી અટકાવી, રૂપિયા 12.08 લાખના વિદેશી દારૂ સાથે બે ઝડપાયા 1 - image

- બિલોદરા જેલ પાસે એસએમસીનો ફિલ્મી ઢબે પીછો

- પોલીસે વિદેશી દારૂનો જથ્થો, કાર સહિતની 32.43 લાખની મત્તા જપ્ત કરી ઝડપાયેલા અને ફરાર શખ્સો સામે ગુનો નોંધ્યો 

નડિયાદ : ખેડા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે નડિયાદ નજીક બિલોદરા જેલ પાસેથી ફિલ્મી અંદાજમાં પીછો કરી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસએ રૂ. ૧૨,૦૮,૯૨૫ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી બે આરોપીઓને ઝડપી પાડયા છે.

એસએમસીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, કઠલાલથી નડિયાદ તરફ એક સફેદ રંગની ફાર્ચ્યુનર કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે કઠલાલ ચોકડી પાસે વોચ ગોઠવી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે કાર ઉભી રાખવાને બદલે મહુધા તરફ ઝડપથી દોડી મુકી હતી.

ત્યારબાદ પોલીસે ફિલ્મી અંદાજમાં પીછો શરૂ કર્યો હતો. નડિયાદ નજીક બિલોદરા ચોકડી પાસે રેલવે ફાટક પાર કર્યા બાદ બિલોદરા જેલ નજીક પોલીસે ગાડીને રોકવા માટે પ્રયત્ન કર્યોે હતો. અંતે પોલીસે લાકડીઓ વડે કારના કાચ તોડી ગાડી અટકાવી હતી. તલાશી દરમિયાન કારમાંથી કુલ ૨૦૫૨ નાની-મોટી વિદેશી દારૂની બોટલો મળી આવી, જેની કિંમત રૂ. ૧૨.૦૮ લાખથી વધુ છે. ઉપરાંત, કારમાંથી એક અન્ય નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કાર ચાલક આકાશ નાનજી તળપદા અને સહયોગી મયુર દિનેશ તળપદાની અટકાયત કરી છે. 

પોલીસે દારૂ, કાર અને બે મોબાઈલ સહિત કુલ રૂ. ૩૨.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યોે છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ દારૂનો જથ્થો નડિયાદના બૂટલેગર જીતુ રાજુ તળપદા અને તેના સાથી ગની દ્વારા મંગાવવામાં આવ્યો હતો. મોડાસા નજીક ધનસુરા સિંગલ પટ્ટી રોડ પર એક એસયુવીમાંથી આ દારૂ બીજી કારમાં ખસેડવામાં આવ્યો હતો. ગની પોતાની કાર દ્વારા પાયલોટિંગ કરી રહ્યો હતો. પીછા દરમિયાન ઝડપાયેલા આરોપીઓ 'જંગી' એપ્લિકેશન મારફતે ગની સાથે સંપર્કમાં હતા. ગનીએ તેમને પોલીસ રોકે તો 'યાસ્મીનની લાઈનની કાર છે' એવું કહેવાની સૂચના આપી હોવાનું પણ સામે આવ્યું છે. આ દારૂનો જથ્થો અર્જુન દંતાણી અને કિરણ તળપદા સુધી પહોંચાડવાનો હતો તેવો ખુલાસો થયો છે. હાલ પોલીસે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધીને ફરાર આરોપીઓ સહિત કુલ મળીને અનેક શખ્સોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.