BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને રાહત: હાઇકોર્ટે જામીન આપ્યા, રોકાણકારોના નાણા 1 વર્ષમાં જમા કરાવશે
BZ Scam: ગુજરાતના ચર્ચિત BZ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા 8 મહિને જેલમાંથી બહાર આવશે. CID ક્રાઇમ દ્વારા આ સ્કેમમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા સામે નોંધવામાં આવતી મૂળ ફરિયાદમાં આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેને હાઇકોર્ટે મંજૂરી આપી છે.
આ પણ વાંચોઃ વડોદરામાં હોકિંગ અને નોન હોકિંગ ઝોન બનાવી સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરાશે
કોર્ટમાં રજૂઆત
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, કોર્ટને આપવામાં આવેલી બાહેંધરી મુજબ, GPID કોર્ટ સામે 5 કરોડ જમા કરાવી દીધા છે. રોકાણકારોને પૈસા પરત આપવા માટે પણ પહેલા મહિને 1 કરોડ, બીજા મહિને 2 કરોડ, ત્રીજા મહિને 3 કરોડ અને બાકીની રકમ સરખા 9 હપ્તામાં જમા કરાવવામાં આવશે. આમ રોકાણકારોની તમામ રકમ એક વર્ષમાં ચૂકવી દેવાશે.
શું છે સમગ્ર મામલો
સમગ્ર મામલામાં ભૂપેન્દ્ર સિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણાં કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર સિંહ ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પૂરતું જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું અને કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર સિંહે પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.