Gujarat

સોનામાં ઊંચા વળતરની લાલચ આપી બિલ્ડર સાથે રૂ. 40 લાખની ઠગાઇ

By GS TEAM
12 Mar 20261 min read
સોનામાં ઊંચા વળતરની લાલચ આપી બિલ્ડર સાથે રૂ. 40 લાખની ઠગાઇ

સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ : ફેસબુક પરથી યુવતીએ સંપર્ક કરી શીશામાં ઉતાર્યા : ઓનલાઇન ફ્રોડ કરનારા મોટાભાગે પકડાતા નથી

રાજકોટ, : સોનામાં ઉંચા વળતરની લાલચ આપી બિલ્ડર વિજયભાઇ પરસોતમભાઇ દોમડીયા (ઉ.વ. 45) સાથે ઓનલાઇન રૂ. 39.22 લાખની ઠગાઇ થયાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ પ્રકારનાં મોટાભાગનાં કિસ્સાઓમાં આરોપીઓ નકલી નામ ધારણ કરી છેતરપિંડી કરતા હોવાથી હાથમાં આવતા નથી. 

કોઠારીયાના આદર્શ શિવાલયમાં રહેતા વિજયભાઇએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 2025ની સાલમાં મે મહિનામાં આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઇ.ડી. ધરાવતી યુવતીએ તેને વિશ્વાસમાં લઇ ટ્રેડિંગ લિંકની ફેક વેબસાઇટ મોકલી હતી.

તેને ગોલ્ડ ટ્રેડિંગમાં ઉંચા વળતરની લાલચ આપી અંદાજે રૂ. 39.22 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસે આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઇ.ડી. ધારક, એક વ્હોટસેપ નંબર અને અલગ-અલગ બેંક ખાતાધારકો વિરૂદ્ધ બીએનએસ અને આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે છાશવારે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ રીતે ઓનલાઇન રોકાણ નહીં કરવા અપીલ કરવામાં આવે છે. પરંતુ તેની બહું અસર થતી ન હોય તેમ લોકો ભોગ બનતા રહે છે. ચોંકાવનારી વાત એ છે કે ઓનલાઇન ફ્રોડના આરોપીઓ મોટાભાગે પકડાતા પણ નથી. તેને બદલે જેના ખાતામાં ફ્રોડની રકમ જમા થઇ હોય તે જ પકડાતા હોય છે.