Gujarat

ચકડોળનાં ફિટનેસ સર્ટી. માટેય લાંચ: R&Bના 2અધિકારી સહિત ૩ ઝડપાયા

By GS TEAM
29 Oct 20252 mins read
ચકડોળનાં ફિટનેસ સર્ટી. માટેય લાંચ: R&Bના 2અધિકારી સહિત ૩ ઝડપાયા

આમાં SOPનું મહત્વ જ શું?! લાંચિયાઓનું દુર્ઘટનાને ખુલ્લું નોતરૂ : રાજકોટના પારેવડી ચોકમાં સફળ ટ્રેપ: બંને આરોપી વતી લાંચ લેતાં પ્રજાજનને એસીબીએ રંગેહાથ ઝડપી લીધો : યાંત્રિક પેટા વિભાગના કાર્યપાલક ઈજનેર પિયુષ બાંભરોલીયા અને નાયબ કાર્યપાલક ઈજનેર નિરવ રાઠોડની એસીબીએ તેમની કચેરીમાંથી ધરપકડ કરી

રાજકોટ, : રાજકોટ માર્ગ અને મકાન વિભાગમાં યાંત્રિક પેટા વિભાગના કાર્યપાલક ઈજનેર પિયુષ બાબુભાઈ બાંભરોલીયા અને નાયબ કાર્યપાલક ઈજનેર નિરવ પ્રવિણચંદ્ર રાઠોડ વતી રૂ. 50,000ની લાંચ લેતાં પ્રજાજન સુધીર નવીનચંદ્ર બાવીશીને એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. ત્રણેય આરોપીઓની એસીબીએ ધરપકડ કરી તપાસ જારી રાખી છે. 

એસીબીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફરિયાદી સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળામાં ભાગીદારીમાં યાંત્રિક રાઈડસ રાખવાનું કામ કરે છે. ફરિયાદીએ ભાગીદારીમાં કાલાવડ તાલુકાના રણુંજા ખાતેના લોકમેળામાં યાંત્રિક રાઈડસ એટલે કે ચકડોળ ગોઠવી હતી. તે વખતે રાજકોટથી આરોપી પિયુષ બાંભરોલીયા અને નિરવ રાઠોડ ચેકિંગમાં ગયા હતા. તે વખતે નિરવ રાઠોડે ચકડોળનું ફિટનેસ સર્ટીફિકેટ આપવા માટે રૂ. 1 લાખની લાંચ માગી હતી. 

રકઝકના અંતે રૂ. 50,000 લેવા તૈયાર થઈ ગયા હતા. ફરિયાદીને લાંચની રકમ આપવી ન હોવાથી એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. નકકી થયા મુજબ પ્રજાજન સુધીર બાવીશી પારેવડી ચોક પુલ નીચે આવેલી ટી સ્ટોલે લાંચ લેવા આવ્યો હતો. તે પહેલાં ફરિયાદી સાથે પિયુષ બાંભરોલીયા અને નિરવ રાઠોડે વાતચીત કરી, સુધીર બાવીશીને લાંચની રકમ આપી દેવાનું કહ્યું હતું. 

જેને એસીબીના પીઆઈ પી. કે. દેકાવાડીયાએ લાંચની રકમ લેતાં રંગેહાથ ઝડપી લીધા હતા. આ પછી બહુમાળી ભવનમાં આવેલી માર્ગ અને મકાન વિભાગની કચેરીમાંથી કલાસ-1 અધિકારી પિયુષ બાંભરોલીયા અને કલાસ-2 અધિકારી નિરવ રાઠોડને પણ ઝડપી લીધા હતા.