બાયડ પોલીસ સ્ટેશનમાં અધિકારી-ભાજપ અગ્રણી વચ્ચે બોલાચાલી

હિંમતનગર,
તા. 21
બાયડ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી અને ડેમાઈ ગામના ભાજપ અગ્રણી
વચ્ચે તૂં..તૂં, મેં..મેં
થયા પછી ૯૬ સેકન્ડનો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. આવેશમાં આવેલા
અધિકારીએ અગ્રણીને કહ્યું કે તારાથી થાય તે કરી લે જે બધી કોર્ટ ખુલ્લી છે. આ મામલા
પછી બાયડ પોલીસની અનેક પ્રકારની કામગીરી શંકાના દાયરામાં આવી છે.
ચાર દિવસ અગાઉ ડેમાઈ ગામમાં બે જૂથ બાખડયા પછી પોલીસે સામસામે
ફરિયાદો નોંધી કુલ-૧૮ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે તે પૈકી પાંચ આરોપીઓને દબોચી લઈ
કોરોના રિપોર્ટ કરાવી લૂંટ સહિતના ગંભીર ગુનાની પૂછતાછ શરૃ કરી છે ત્યારે આ કેસના ફરિયાદી
તેમજ ઉભય પક્ષે આરોપી ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અગ્રણી કિર્તી પટેલ અને બાયડ
સી.પી.આઈ., એસ.એન.પટેલ
વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ કોઈ મામલે જીભાજોડી થઈ અને ત્યાર પછી તો અગ્રણીએ જણાવ્યું
કે તારા વિરુદ્ધ મારી પાસે અનેક ફરિયાદો છે તેમ કહેતાં જ પિત્તો ગુમાવેલા અધિકારીએ
તારે જ્યાં જવું હોય ત્યાં જજે સિવિલ કોર્ટ,
સેશન કોર્ટ, હાઈકોર્ટ
બધી ખુલ્લી છે. ત્યારબાદ બંન્ને વચ્ચે વધુ ઉગ્ર બોલાચાલી સાથે તૂં..તૂં, મેં..મેં થઈ હતું.
માર મેં ખાધો છે અને મારી સામે ખોટી ફરિયાદ
કિર્તી પટેલે આરોપ લગાવ્યો કે માર મેં ખાધો છે અને આરોપીઓ વિરુદ્ધ
અરજીઓના થપ્પે થપ્પા મારી પાસે છે છતાં મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધી છે.
પોલીસે મર્ડર કેસમાં આરોપીઓને છાવર્યાનો આક્ષેપ
સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલા વિડીયોમાં જણાવ્યું છે કે બાયડ
સી.પી.આઈ.એ ડેમાઈ અને વસાદરાના મર્ડર કેસમાં આરોપીઓને છાવર્યા છે તેવો ભાજપ અગ્રણી
કિર્તી પટેલે આરોપ લગાવ્યો છે.




