Get The App

તાંત્રિક વિધિની ઠગાઈ દ્વારા પારકે પૈસે 19 લાખની કાર ખરીદી, એકા'દ લાખનો ફોન વાપરતો હતો

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
તાંત્રિક વિધિની ઠગાઈ દ્વારા પારકે પૈસે 19 લાખની કાર ખરીદી, એકા'દ લાખનો ફોન વાપરતો હતો 1 - image

તાંત્રિક વિધિના નામે ઠગાઈ કરતા ગઠિયાનું કારસ્તાન આરોપીનું બેન્ક ખાતું પોલીસે સીઝ કરાવ્યું, : ઓસ્ટ્રેલિયા રહેતા યુવકને પ્રેમલગ્ન કરવા હતા. આ ઉપરાંત તેને પરમેનેન્ટ રેસિડન્સની પણ સમસ્યા હતી :   તેના અંડરવેરનો કલર અને ઘર બહાર પાર્ક કારનો કલર જણાવી પ્રભાવિત કર્યો હતો

 રાજકોટ, : ઓસ્ટ્રેલિયામાં રહેતા અંકિત પરમાર અને અમદાવાદ રહેતા તેના પરિવારની જુદી-જુદી સમસ્યાઓ હલ કરવાના બહાને રૂા. 24 લાખ પડાવી લેનાર આરોપી સતિષ રામજી ધામી (ઉ.વ.પર, રહે. ગુંદાવાડી શેરી નં.રર)ની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી તપાસના અંતે તેને જેલહવાલે કરાયો હતો. 

પીએસઆઈ  ગોહિલની તપાસમાં ખૂલ્યા પ્રમાણે પારકે પૈસે તાગડધિન્નાની કહેવત મુજબ  આરોપીએ ઠગાઈની રકમમાંથી રૂા. 19 લાખમાં રોકડેથી ક્રેટા કાર ખરીદી હતી. આ ઉપરાંત રૂા. 1 લાખની કિંમતનો આઈફોન ખરીદ્યો હતો. જે બંને વસ્તુ પોલીસે કબજે કરી છે. એટલું જ નહીં આરોપીનું બેન્ક એકાઉન્ટ પણ સીઝ કરાવ્યું છે. જેમાં હાલ રૂા. 1.95 લાખ જમા હોવાની માહિતી પોલીસને મળી છે. 

પોલીસને એવું જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રેલિયા રહેતા અંકિતને પ્રેમલગ્ન કરવા હતા. આ ઉપરાંત તેને પરમેનેન્ટ રેસિડન્સની પણ સમસ્યા હતી. આ સ્થિતિમાં તે મિત્ર પાર્થ મારફત આરોપીના સંપર્કમાં આવ્યો હતો. આરોપીને વીડિયો કોલ કરતા આરોપીએ તેણે કયા કલરનું અંડરવેર પહેર્યું છે તે બાબત  ઉપરાંત તેના ઘરની બહાર પાર્ક કારનો કલર  અને તેના પોકેટમાં રહેલી ચલણી નોટના અમુક નંબરો જણાવી પ્રભાવિત કરી દીધો હતો. 

જેને કારણે અંકિત તેને કટકે-કટકે રૂપિયા આપતો રહ્યો હતો. અત્યાર સુધી તેણે રૂા. 17.23 લાખ આપ્યા હતા. જયારે  તેના ભાઈ હાર્દિકે રૂા. 5 લાખ અને પિતાએ રૂા. 2 લાખ આપ્યા હતા. પરંતુ આ તમામમાંથી કોઈના કામ નહીં થતા છેતરાઈ ગયાનો અહેસાસ થતાં આખરે ફરિયાદ નોંધાવી હતી. બીજા લોકો પણ ભોગ બન્યાની શકયતા છે. જેને કારણે ભક્તિનગર પોલીસે આરોપીએ તાંત્રિક વીધીના નામે બીજા કોઈને ભોગ બનાવ્યા હોય તો પોતાનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.