અમદાવાદ ઍરપોર્ટ-સુરતની બે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી, ઈમેલ મળતાં પોલીસની ટીમો થઈ દોડતી
Bomb blast threat in Ahmedabad and Surat: છેલ્લા ઘણા સમયથી વિવિધ જગ્યાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઈમેલ મળી રહ્યા છે. એવામાં હવે મંગળવારે (22 જુલાઈ) અમદાવાદ અને સુરત જેવા બે મહાનગરોને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપોર્ટ તેમજ સુરતમાં બે શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. મેઇલ મળતાંની સાથે જ પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં શાળાને બોમ્બથી ઉડાડવાની ધમકી
મળતી માહિતી મુજબ, સુરત પોલીસને મેઇલ દ્વારા શહેરની બે શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. જેમાં જી. ડી ગોયન્કા અને લાન્સર આર્મી સ્કૂલનો સમાવેશ થાય છે. આ મેઇલ મળતાંની સાથે સુરત પોલીસ એક્ટિવ થઈ ગઈ અને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાના ભાગ રૂપે શાળામાં હાજર બાળકોને રજા આપી દેવામાં આવી છે અને બોમ્બ સ્ક્વૉડની ટીમ સાથે બંને શાળાની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી આ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં વધુ એક આપઘાતની ઘટના, સાઉથ બોપલમાં ફ્લેટના 14માં માળેથી વ્યક્તિએ પડતું મૂક્યું
અમદાવાદ ઍરપોર્ટને મળી ધમકી
આ સિવાય અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચને ઍરપોર્ટને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. જોકે, ઘટનાની જાણ થતાં પોલીસ અને બૉમ્બ સ્ક્વૉડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. સુરક્ષાને ધ્યાને લઈને મુસાફરો અને અન્ય લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડીને સમગ્ર ઍરપોર્ટ પરિસરની તપાસ કરવામાં આવી છે. આ ધમકીના પગલે અનેક ફ્લાઇટને અસર પડી શકે તેવી આશંકા છે. જોકે, આ મામલે હજુ સુધી ઍરપોર્ટ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.