વડોદરાના સમા સાવલી રોડ પર વધુ એક કારનો કાચ તૂટ્યો, ગઠીયો શિક્ષકના 9.5 તોલાના દાગીના ઉઠાવી ગયો
image : Social media
Vadodara Theft Case : વડોદરાના સમા સાવલી રોડ વિસ્તારમાં તાજેતરમાં એક મહિલાની કારનો કાચ તોડી ચોરી કરનાર રીક્ષા ચાલક પકડાઈ ગયો હોવાના બનાવ બાદ બે દિવસ પહેલા વધુ એક કારનો કાચ તોડી રૂ.ત્રણ લાખ ઉપરાંતની કિંમતના દાગીનાની ચોરીનો બનાવ બન્યો છે.
પંચમહાલના લુણાવાડા ખાતે રહેતા અને પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ પટેલે પોલીસને કહ્યું છે કે, ગઈ તા 20મી એ હું મારી પત્ની સાથે વડોદરા આવ્યો હતો. મારી પૌત્રીનો બર્થ ડે હોવાથી જમાઈએ સમા સાવલી રોડની આર્ટ ઓફ કિચન રેસ્ટોરન્ટમાં જમવા માટે જાણ કરી હતી.
હું અને મારી પત્ની અંદાજે 9.5 તોલાના દાગીના એક બેગમાં મૂકીને વડોદરા આવ્યા હતા. આ બેગ અમે કારમાં મૂકી હતી અને રેસ્ટોરન્ટની બહાર કાર પાર્ક કરી રાત્રે જમવા માટે ગયા હતા. 9:30 વાગે પરત ફર્યા ત્યારે કારનો ડાબી બાજુનો કાચ તૂટેલો હતો અને બેગ ગાયબ હતી. જેથી સમા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી છે.