Gujarat

ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બ સ્ક્વોર્ડ, એસઓઈજીનું ચેકિંગ

By GS TEAM
28 Feb 20262 mins read
ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બ સ્ક્વોર્ડ, એસઓઈજીનું ચેકિંગ

- સુરતમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ

- ડોગ સ્ક્વોર્ડ, ક્યૂઆરટી, એલસીબી સહિત પોલીસના ધાડેધાડા હાઈકોર્ટ રોડ પર ઉતર્યાં, પોલીસે પોસ્ટ ઓફિસના ત્રણેય માળ, અગાશી, પાર્કિંગમાં બે કલાક સુધી તપાસ કરી

ભાવનગર : સુરતના પીપલોદમાં આવેલી પોસ્ટ ઓફિસના પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે રાજકોટ પોસ્ટલ રિઝનની સુચનાથી ભાવનગર પોસ્ટ વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે પોસ્ટ ઓફિસમાં ચેકિંગ હાથ ધરવા પોલીસને જાણ કરતા ભાવનગર પોલીસની બોમ્બ સ્ક્વોર્ડ, ડોગ સ્ક્વોર્ડ, એસઓજી, એલસીબી, ક્યૂઆરટી અને સ્થાનિક પોલીસ તથા ફાયર વિભાગની ટીમોએ હાઈકોર્ટ રોડ પર આવેલી હેડ પોસ્ટ ઓફિસમાં આશરે બે કલાક સુધી ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે આ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ બાબત મળી આવી નહોતી.

સુરતના પીપલોદમાં આવેલી પોસ્ટ ઓફિસના પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે શહેરના હાઈકોર્ટ રોડ પર આવેલી પોસ્ટ ઓફિસમાં ભાવનગર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભાવનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા પોલીસ અને ફાયર વિભાગને આજે સવારે ૧૦.૩૦ કલાકના અરસામાં ચેકિંગ માટેની જાણ કરતા ભાવનગર પોલીસની બોમ્બ સ્ક્વોર્ડ, ડોગ સ્ક્વોર્ડ, એસઓજી, એલસીબી, ક્યૂઆરટી, સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમોના ધાડેધાડા શહેરના હાઈકોર્ટ રોડ પર ઉતરી આવ્યા હતા અને પોસ્ટ ઓફિસ પરિસર ખાલી કરાવી ચેકિંગ કામગીરી હાથ ધરી હતી, જે આશરે બે કલાક સુધી ચાલી હતી. આ મામલે એસઓજી પીઆઈ સુનેસરાએ જણાવ્યું હતું કે, કોલ મળતા જ અમારી ટીમોએ સ્થળ પર જઈ પોસ્ટ ઓફિસના ત્રણેય ફ્લોર, અગાશી, પાર્કિંગ અને લોકોની આવનજાવનવાળા એરિયામાં ચેકિંગ કર્યું હતું, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. તેમજ આ મામલે ભાવનગર પોસ્ટ વિભાગના જનસંપર્ક અધિકારી ઋષિકેશ જોષીએ જણાવ્યું હતું કે, સુરતમાં પોસ્ટ ઓફિસના પાસપોર્ટ સેવા કેન્દ્રને મળેલી ધમકીના અનુસંધાને રાજકોટ પોસ્ટલ રિઝન દ્વારા પોસ્ટ ઓફિસમાં ચેકિંગ કરાવવાની સૂચના આપવામાં આવતા ભાવનગર પોસ્ટલ ડિવિઝને પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પાસપોર્ટ માટેની પ્રોસેસ અરજદારો રિ-શેડયૂલ કરી શકશે

ભાવનગર પોસ્ટ ઓફિસમાં બોમ્બ સ્ક્વોર્ડના ચેકિંગના પગલે પોસ્ટ ઓફિસ ખાલી કરાવી દેવામાં આવી હતી. જેનાથી પાસપોર્ટ કઢાવવાની કામગીરી માટે તથા અન્ય કામ માટે આવેલા લોકોના કામ અટકી ગયા હતા. ચેકિંગના પગલે ત્રણ કલાક સુધી પોસ્ટ ઓફિસની કામગીરી પ્રભાવિત થઈ હતી. બીજી તરફ પાસપોર્ટ ઓફિસમાં પાસપોર્ટ માટેની પ્રોસેસમાં આવેલ જે અરજદારોના કામ નથી થઈ શક્યા, તેઓ પોતાની એપોઈન્ટમેન્ટ રિ-શેડયૂલ કરાવી શકશે તેવું ભાવનગર પોસ્ટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

હાઈકોર્ટ રોડ કોર્ડન કરી બંદોબસ્ત ગોઠવાયો

 દરરોજ હજારો લોકોની અવરજવરવાળા હાઈકોર્ટ રોડ પર આવેલી પોસ્ટ ઓફિસમાં ચેકિંગના પગલે પોલીસ દ્વારા હાઈકોર્ટ રોડને બન્ને તરફથી કોર્ડન કરી લોકોની અવરજવર માટે બંધ કરી  દેવાયો હતો અને પોલીસ બંદોબસ્ત ગોઠવી  દેવામાં આવ્યો હતો.