પતિનાં મોત બાદ 5 દિવસથી રહસ્યમય રીતે ગુમ પત્નીનો કૂવામાંથી મૃતદેહ મળ્યો

ધ્રોલના રોજીયા ગામની ચકચારી ઘટનામાં ગૃહકંકાશનું તારણ બન્ને વચ્ચે ઝઘડો થતાં પતિએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો, જેનું લાગી આવવાથી પત્નીએ કૂવામાં ઝંપલાવી દીધાનું ખુલ્યું
જામનગર, : ધ્રોલ તાલુકાના રોજીયા ગામે પાંચ દિવસ પહેલા પરપ્રાંતીય શ્રમિક પરિવારના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો અને પત્નીનો કોઈ અત્તોપત્તો નહોતો. જેથી પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડતા યુવકે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું ખુલ્યું હતું. બીજી તરફ ભેદી ઘટના બાદ ગુમ પત્નીનો વાડીના કૂવામાંથી મૃતદેહ મળતા અરેરાટી પ્રસરી છે. જેથી બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ ગળાફાંસો ખાઈ લેતા પત્નીએ પણ કૂવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું તારણ નીકળ્યું છે.
ચકચારી બનાવમાં રહસ્યના તાણાવાણાં ઉકેલાતા આજે પોલીસે જાહેર કર્યું કે, ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં રહેતા ખેડૂત લગધીરસિંહ જાડેજાની વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરી રહેલા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની એવા પરપ્રાંતીય શ્રમિક પરિવારની રાહલી ગોરધન વસુનીયા (ઉં.૧૯) અને તેના પતિ ગોરધન વસુનીયા (ઉં.૨૨) છેલ્લા કેટલાક સમયથી વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા હતા. આ દરમિયાન ગત તા.૩૦મીએ રાત્રિના નવેક વાગ્યાના અરસામાં બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જેથી ગોરધનને મનમાં લાગી આવતાં મગફળીના ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની પત્ની રાહલીબેનને જાણ થતાં તેણીએ પતિ ગોરધનને નીચે ઉતાર્યો હતો, પરંતુ પોતાના પતિ મૃત્યુ પામ્યા હોવાથી પોતે ગભરાઈ ગઈ હતી અને તેણીને પણ આઘાત લાગ્યો હોવાથી વાડીના કૂવામાં પોતે પણ આપઘાત કરી લીધો હતો.
જે તે સમયે શ્રમિકનો મૃતદેહ મળ્યા બાદ પત્ની ગાયબ હોવાની જાણ થતાં તેણીના ભાઈ ચીરલીયાભાઈ બામણીયા કે જેઓ ધ્રોલમાં એક ખેડૂતની વાડીમાં રહીને મજૂરી ગામ કરે છે, તેઓ રોજિયા ગામે દોડી આવ્યા હતા અને ધ્રોલ પોલીસમાં ગુમ નોંધ કરાવવામાં આવી હતી. જેથી પોલીસ ટુકડી પત્ની રાહલીને શોધી રહી હતી. જે દરમિયાન ગઈકાલે સાંજે વાડીના કુવામાં તેણીનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો. આ બનાવ મામલે પીએસઆઇ એચ.વી. રાઠોડ ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા અને રાહાલીબેનનો મૃતદેહ કબજે લઈ તેનું પણ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. બાદમાં બંને મૃતદેહોનો કબજો રાહલીબેનના ભાઈને સોંપી દેવામાં આવ્યો છે અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને ધ્રોળ પંથકમાં પણ પરપ્રાંતીય શ્રમિક પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.









