BLOની મુશ્કેલી વધી : ચેક થયેલા સેંકડો ફોર્મ રિ-વેરિફિકેશન માટે પરત, નવા ટાસ્કથી શિક્ષકો ત્રસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat SIR: સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધી થયેલી કામગીરીમાં મતદારોનાં ફોર્મ્સ ખાસ સોફ્ટવેર મારફતે ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી સંખ્યાબંધ ફોર્મ રિ-વેરીફિકેશન કરવા માટે પરત આપવામાં આવતાં બૂથ લેવલ ઓફિસરોની ઉપાધિ ઘટવાને બદલે વધી છે. એક અંદાજ મુજબ, 60 થી 70 ટકા જેટલાં ફોર્મ તેમને પરત મોકલાયાં છે.
દળી દળીને ઢાંકણીમાં જેવી પરિસ્થિતિ
છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલી SIRની કામગીરીમાં દળી દળીને ઢાંકણીમાં જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કોઈપણ જાતની સૂચના કે તાલીમ વિના પ્રથમ બીએલઓને મતદાર યાદી સુધારણાના ફોર્મ ઘરે ઘરે ફરીને આપવાની તથા પરત લેવાની કામગીરી સોંપાઈ, બાદમાં આ ફોર્મ ઓનલાઈન અપલોડ કરવાની સૂચના આપવામાં આવી. ટાર્ગેટ પૂરો કરવા સતત દબાણ વચ્ચે કપરી માનસિક સ્થિતિમાં બીએલઓએ આ કામગીરી પૂર્ણ કરી હતી.
60 થી 70% ફોર્મ ફરીથી ક્વેરીમાં મૂકાયા
એવામાં, શિક્ષકોનાં સંગઠનના સૂત્રધારોની વાત સાચી માનીએ તો, ખાસ સોફ્ટવેરની મદદથી ચેક થયેલા 60 થી 70% ફોર્મ ફરીથી ક્વેરીમાં મૂકાયા છે અને બીએલઓને ફરીથી આ બધા ફોર્મનું રિ-વેરીફિકેશન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જે મતદારના ફોર્મમાં દાદા-દાદી, નાના-નાની, માતા-પિતાના નામો 2002ની યાદીમાં મેચ ન થતા હોય તેમને વેરીફિકેશન માટે મૂકવામાં આવ્યા છે.
દાખલા તરીકે, પિતાના નામની પાછળ 2002ની યાદીમાં ‘લાલ’ કે ‘ચંદ્ર’ હોય અને હાલ તેમના નામની પાછળ ‘ભાઈ’ લગાવવામાં આવ્યું હોય તો આવા ફોર્મ પુનઃ ચકાસણી માટે આવી રહ્યા છે. તેમાં જે તે મતદારનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જન્મ તારીખના દાખલાની નકલ મેળવ્યા બાદ ફોર્મ ફરીથી અપલોડ કરવામાં આવે છે. આથી બૂથ લેવલ ઓફિસરો ફરીથી મુશ્કેલીમાં મુકાયા છે. હજુ નવાં નામ ઉમેરવાની પ્રક્રિયા તો બાકી જ હોવાનો પણ કચવાટ પ્રવર્તે છે.
બી.એલ.ઓની હાલત કફોડી
મતદાર યાદી તૈયાર કરવી એ રાષ્ટ્રીય ફરજ છે, પરંતુ આ ફરજમાં સતત દબાણને કારણે રાજ્યમાં ચારથી પાંચ બીએલઓના મૃત્યુ નીપજ્યા છે અને બી.એલ.ઓની હાલત પણ કફોડી છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓની હાલત પણ દયનીય છે. SIRની કામગીરીને કારણે સરકારી શાળાઓમાં છેલ્લા એક દોઢ મહિનાથી શિક્ષણ કાર્ય ખોરંભે ચડ્યું છે. ગરીબ વાલીઓ પ્રાઇવેટ સ્કૂલની ફીઓ ભરી શકે તેમ નથી એટલે જાય તો કહા જાયે જેવી પરિસ્થિતિમાં મુકાયા છે.








