Get The App

છોટાઉદેપુર: રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર ‘જનતા રેડ’, 2 હિટાચી અને 4 ટ્રકો ઝડપાયા; તંત્રની પોલ ખૂલી

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
છોટાઉદેપુર:  રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર ‘જનતા રેડ’, 2 હિટાચી અને 4 ટ્રકો ઝડપાયા; તંત્રની પોલ ખૂલી 1 - image


Illegal Sand Mining in Ratanpur: છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામે ઓરસંગ નદીના પટમાં બેરોકટોક ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સામે આખરે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. તંત્રની રહેમનજર હેઠળ ચાલતા આ ગોરખધંધા સામે સ્થાનિક યુવાનોએ મેદાનમાં ઉતરી ‘જનતા રેડ’ કરી હતી, જેમાં લાખોનો મુદ્દામાલ ઝડપી પાડી ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો હતો.

જનતા રેડ અને મુદ્દામાલ

રતનપુર નદીના પટમાં ગેરકાયદેસર ખનન ધમધમી રહ્યું હોવાની જાણ થતાં સ્થાનિક જાગૃત નાગરિકો અને યુવાનોએ નદીમાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સ્થળ પરથી રેતી ખોદતા બે હિટાચી મશીન અને બિનઅધિકૃત રીતે ઓવરલોડ રેતી વહન કરતી ચાર ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી. ત્યારબાદ ગ્રામજનોએ જ ખાણખનીજ વિભાગના અધિકારીઓને બોલાવી આ મુદ્દામાલ તેમને સોંપ્યો હતો.

અધિકારીઓ પર ગંભીર આક્ષેપ

સ્થાનિક યુવાનોએ ખાણખનીજ વિભાગના અધિકારીઓ પર મિલીભગતનો સીધો આરોપ લગાવ્યો છે. લોકોના જણાવ્યા મુજબ, નદીમાંથી ગેરકાયદેસર રેતી ભરીને નજીકના સ્ટોકયાર્ડમાં ઠાલવવામાં આવતી હતી. ઓવરલોડ વહન અને ગેરકાયદેસર ખનનની તમામ હકીકતોથી અધિકારીઓ વાકેફ હોવા છતાં કોઈ પગલાં લેવાતા ન હતા. અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાથી યુવાનોએ જાતે જ તંત્રની પોલ ખોલી નાખી હતી.

નેતાની ઓથ અને બેવડી નીતિ

સ્થાનિકોમાં ભારે આક્રોશ છે કે સામાન્ય ગ્રામજનોને ટ્રેક્ટરમાં રેતી લઈ જવા દેવામાં આવતી નથી અને હેરાન કરવામાં આવે છે, જ્યારે રેતી માફિયાઓને ખુલ્લો દોર આપવામાં આવ્યો છે. આ સમગ્ર કૌભાંડ એક સ્થાનિક નેતાની ઓથમાં અને અધિકારીઓના સાથ-સહકારથી ચાલી રહ્યું હોવાનો પર્દાફાશ સ્થાનિકોએ કર્યો છે. અધિકારીઓ અને નેતાઓ દ્વારા બે નંબરના કામોને પ્રોત્સાહન અપાતું હોવાથી રતનપુર પંથકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Tags :