ગુજરાતમાં મનરેગા હેઠળ શ્રમિકોને એક વર્ષમાં 100ની 'ગેરન્ટી' સામે ફક્ત 42 દિવસ જ કામ અપાયું

Mahatma Gandhi National Rural Employment Guarantee Act : ગરીબ મજૂરોને કામના અધિકાર સાથે 100 દિવસ રોજગાર મળી રહે તે હેતુસર મનરેગા યોજનાનો અમલ કરાયો હતો. મનરેગા યોજનાનો મૂળભૂત હેતુ ભૂલાયો હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. તેનુ કારણ એ છેકે, ગુજરાતમાં ગરીબ પરિવારોને વર્ષમાં માંડ 42થી માંડી 49 દિવસ જ રોજગાર મળી શક્યો છે. ગુજરાત કરતાં બીજા રાજ્યોમાં મજૂરોને આ યોજના હેઠળ વધુ દિવસ રોજગાર મળ્યો છે.
ગુજરાતમાં મનરેગાના હેતુ સિદ્ધ થયો નહી
વર્ષ 2005માં દેશમાં નેશનલ રૂરલ એમપ્લોયમેન્ટ ગેરંટી એક્ટનો અમલ થયો હતો. આ યોજના હેતુ એ હતોકે, ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને વર્ષમાં 100 દિવસ રોજગારી મળી રહે. મનરેગાના માઘ્યમથી રસ્તા, જળસરંક્ષણ, તળાવ ખોદકામ, બાગાયત અને સમુદાય વિકાસના કામો કરાવી ગરીબ મજૂરોને રોજીદુ વેતન ચૂકવી રોજગારી અપાય છે. ગ્રામિણ વિસ્તારમાં સ્થળાંતર રોકવા માટે મનરેગા યોજનાએ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. જોકે, ગુજરાતમાં મનરેગા યોજના કમાણીની યોજના બની રહી છે કેમકે, મંત્રી પુત્રોથી માંડી ભ્રષ્ટ અધિકારીઓએ લાખો કરોડોની કટકી કરી છે. મનરેગાના કામો થયા વિના મળતિયાઓના લાખો કરોડો બારોબાર ચૂકવાયાં છે.
હવે આ વાત બહાર આવી છેકે, ગુજરાતમાં 100 દિવસ ગેરંટીથી રોજગાર આપવાનું વચન સરકાર પૂર્ણ કરી શકી નથી. ગુજરાતમાં આખાય વર્ષમાં ગરીબ મજૂરોને માત્ર 45થી માંડીને 49 દિવસ સુધી કામ અપાયુ છે.
ખુદ કેન્દ્ર સરકારે એ સ્વિકાર્યુંકે, ગરીબ મજૂરોને વધુ દિવસ કામ આપવામાં ગુજરાત કરતાં અન્ય રાજ્યો આગળ રહ્યાં છે જેમકે, ત્રિપુરા જેવા નાના રાજયમાં પણ મજૂરોને વર્ષમાં 72 દિવસ કામ અપાયુ હતું. મિઝોરમમાં 100 દિવસ પૈકી 92 દિવસ કામ આપવામાં આવી રહ્યુ છે. કેરાલામાં 63, મેઘાલયમાં 71, મઘ્યપ્રદેશમાં 61, રાજસ્થામમાં 56 અને ઓડિશામાં 55 દિવસ કામ અપાયુ છે.
ઉલ્લેખનીય છેકે, કેન્દ્ર સરકારે હવે મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામિણ રોજગાર યોજના કર્યુ છે. એટલુ જ નહી, હવે આ યોજનાના માઘ્યમથી 100 દિવસ નહી પણ 125 દિવસ મજૂરોને કામ આપવાનું નક્કી કરાયુ છે. આમ, ગુજરાતમાં મનરેગાનો મૂળભૂત હેતુ સિઘ્ધ થઇ શક્યો નથી.

