Amreli News : અમરેલી જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે. ધારી તાલુકાની ચલાલા નગરપાલિકામાં ભાજપના શાસકો વચ્ચે ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત અને ત્યારબાદ તેમના રાજીનામાના નાટકીય વળાંક બાદ આજે(24 ડિસેમ્બર) મળેલી સામાન્ય સભામાં ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ હતી.
શું હતો સમગ્ર મામલો?
ચલાલા નગરપાલિકાની તમામ 24 બેઠકો ભાજપ હસ્તક હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી સભ્યોમાં પાલિકા પ્રમુખ નયનાબેન વાળા સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો. સભ્યોના વિરોધ અને અવિશ્વાસની દરખાસ્તને પગલે ગત ૨૨ ડિસેમ્બરના રોજ નયનાબેન વાળાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું હતું. જેને પગલે પાલિકાના રાજકારણમાં ભડકો થયો હતો.
સામાન્ય સભામાં 'ઘીના ઠામમાં ઘી' પડ્યું
આજે પ્રાંત કલેક્ટરની અધ્યક્ષતામાં પાલિકાની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં સૌની નજર ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયાના ભાવિ પર હતી. જોકે, સભાના અંતે ચિત્ર સ્પષ્ટ થયું હતું:
નગરપાલિકાના કુલ 24 સભ્યોમાંથી 19 સભ્યો હાજર રહ્યા હતા.
તમામ 19 સભ્યોએ ઉપપ્રમુખ પ્રવીણ માલવિયાની તરફેણમાં મતદાન કર્યું હતું.
પરિણામે, ઉપપ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ રહી હતી અને તેઓ પોતાના પદ પર યથાવત રહ્યા છે.
"આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ઉપપ્રમુખ સામેની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં બહુમતી સભ્યોની હાજરીમાં ઉપપ્રમુખ પદ અકબંધ રહ્યું છે." - સાવન રતાણી (ચીફ ઓફિસર, ચલાલા નગરપાલિકા)
આંતરિક વિખવાદ અને ધારાસભ્યનું વતન
ચલાલા એ ધારી વિધાનસભા બેઠકના ધારાસભ્ય જે.વી. કાકડીયાનું વતન છે, ત્યાં જ ભાજપમાં પડેલા આ ગાબડાએ અનેક ચર્ચાઓ જગાડી છે. ઉપપ્રમુખ પ્રવીણભાઈ માલવિયાએ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે, સભ્યોને પાલિકા પ્રમુખ સામે આંતરિક મતભેદો અને કામગીરીને લઈને રોષ હતો, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.
હવે આગળ શું?
હાલ તો ઉપપ્રમુખે પોતાની ખુરશી બચાવી લીધી છે, પરંતુ પાલિકા પ્રમુખનું પદ ખાલી પડ્યું છે. હવે જિલ્લા કલેક્ટરને આ અંગેનો રિપોર્ટ સોંપવામાં આવશે. આગામી દિવસોમાં ફરી સામાન્ય સભા બોલાવવામાં આવશે, જેમાં ચલાલા નગરપાલિકાના નવા 'શહેનશાહ' એટલે કે નવા પ્રમુખની વરણી કરવામાં આવશે.


