Surendranagar Land Scam Case: 1500 કરોડના જમીન NA (બીન ખેતી)કરાવવાના કથિત કૌભાંડ કેસમાં સુરેન્દ્રનગરના કલેકટર રાજેન્દ્ર પટેલ સહિત 4 સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ FIR નોંધવામાં આવી છે. જેમાં કલેકટર ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ED સૂત્રના દાવા પ્રમાણે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA કરવાની સંપૂર્ણ સત્તા હતી જેનો મોટા પાયે ગેરરીતિ આચરવા દુરુપયોગ કરવામાં આવ્યો છે.
24 કલાકના સમયનો ઉપયોગ કેમ ન કર્યો: આરોપી પક્ષના વકીલ
સમગ્ર કેસ મુદ્દે ચંદ્રસિંહ મોરી આરોપી પક્ષના વકીલે કહ્યું છે કે 'પહેલો મુદ્દો એ હતો કે 67 લાખની જે રકમ મળી છે તે ક્યાંથી આવી છે, બીજો મુદ્દો એ હતો કે આરોપી પાસેથી અમુક વ્યક્તિના નામ અને હિસાબો મળેલ છે, તે અંગે તેમણે ઊંડાણ પૂર્વક તપાસ કરવી છે. જ્યારે અમારો મુદ્દો હતો કે જ્યારે EDએ સર્ચ ઓપરેશન કર્યું એ પહેલા કોઈ સર્ચ વોરંટ રિસીવ કરવામાં આવ્યો ન હતો. ED દ્વારા રિકવરી કે પંચનામાંમાં દરોડા કેમ કરવામાં આવ્યા છે તે અંગે કોઈ ઉલ્લેખ ન હતો. બીજી તરફ આરોપી(ચંદ્રસિંહ મોરી)ની ગત રાત્રે 10: 45 કલાકે અટક કરવામાં આવી છે. આજે સવારે 11 વાગ્યે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા તો 24 કલાકના સમયનો ઉપયોગ કેમ ન કર્યો, EDએ સમગ્ર કેસમાં બે ગુનાનો ઉલ્લેખ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે 1 જાન્યુઆરી 2026ના સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર ર્ક્યા છે.'
'લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો': ED પક્ષના વકીલ
સ્પેશિયલ કોર્ટમાં ઈડીના સ્પેશિયલ વકીલે દાવા કર્યા હતા કે 'એમની પાસેથી રોકડ રકમ મળી છે. તેમજ જમીન હેતુફેર કરવા માટે આવેલી અરજીઓમાં લાંચ લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાના દસ્તાવેજો પણ મળ્યા છે. તેમજ મોબાઈલમાંથી પણ પૈસાની લેતીદેતીના હિસાબો સહિતની વગેરે વિગતો પ્રાપ્ત થઈ છે.'
67.50 લાખની રોકડ મળી
તપાસમાં ખુલાસો થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે જમીન NA કરાવવાનું મોટું નેટવર્ક ચાલતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પાડેલા દરોડા દરમિયાન EDને 67.50 લાખની રોકડ મળી આવી હતી. રોકડની સાથે અનેક વાંધાજનક દસ્તાવેજો અને મિલકતના કાગળો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જે સીધી રીતે આ કૌભાંડ તરફ ઈશારો કરે છે. ED હવે આ મામલે પકડાયેલા અધિકારીઓની પૂછપરછ કરશે કે આ નાણાં ક્યાંથી આવ્યા અને તેમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં વધુ કેટલાક ખુલાસા થવાની શક્યતા છે.
કલેક્ટર બંગલે ફાઈલોના થપ્પા
મંગળવાર (23 ડિસેમ્બર) વહેલી સવારથી જ EDની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા. રાજેન્દ્ર પટેલ (સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર), ચંદ્રસિંહ મોરી (નાયબ મામલતદાર) (ધરપકડ કરાઈ), મયુરસિંહ ગોહિલ (NA શાખાના ક્લાર્ક), જયરાજસિંહ જાડેજા કલેક્ટરના PA (લખતર સ્થિત નિવાસસ્થાન) અને ડી. ચેતન કણઝરીયા વકીલના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્ર મુજબ EDના સર્ચ ઓપરેશનમાં ખૂલ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જે ફાઈલ કથિત વહીવટની હતી તેને ઘરે લઈને જતાં હતા, કારણ કે બંગલામાંથી 100 જેટલી ફાઈલો કબજે કરવામાં આવી છે. સમગ્ર કેસમાં કલેકટર પર EDના શંકાના ઘેરામાં છે.
કલેકટર ઓફિસના ઘણા કર્મચારીઓની સંડોવણી?
સૂત્ર પાસેથી કેસની મળતી વિગતો અનુસાર વચેટિયાઓ અને એજન્ટો મારફતે જમીન NA કરાવવાનો વહીવટ ચાલતો હતો. જમીન NA કરાવવામાં સુરેન્દ્રનગર કલેકટર ઓફિસના ઘણા કર્મચારીઓની મોટા પાયે સંડોવણી હોઈ શકે છે જે તપાસનો વિષય છે.
ACBએ નોંધ્યો ગુનો
એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો છે. જેની તપાસ શરૂ કરી દેવાઈ છે.
અઠવાડિયા પહેલા જ કલેક્ટરે એન.એ. શાખાને વિખેરી નાખી હતી!
EDએ દરોડા પાડયા તેના ત્રણ દિવસ અગાઉ કલેક્ટર રાજેન્દ્ર પટેલે એન.એ. શાખાને વિખેરી નાખી હતી. એન.એ. શાખામાં રહેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને એક પટ્ટાવાળાને તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી હતી. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે એન.એ. શાખામાં કોઇ કૌભાંડ થયું છે જેના કારણે બદલી કરી મામલો ઠરીઠામ કરવામાં આવ્યો હતો?


