- કરમસદ-આણંદ મનપાની પ્રથમ ચૂંટણી
- નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયાનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ ભાજપ હાઈકમાન્ડને સોંપવામાં આવશે
આણંદ : ગુજરાતની નવનિર્મિત કરમસદ-આણંદ મહાનગરપાલિકાની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે જ્યારે પ્રથમ વખત મનપાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની જીત નિશ્ચિત કરવા માટે સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ કરી દીધી છે. આ કવાયતના ભાગરૂપે, વિદ્યાનગર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની પસંદગી માટેની 'સેન્સ પ્રક્રિયા' હાથ ધરવામાં આવી હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતા જ વિવિધ પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના મહાનગરો, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાના હેતુથી વિવિધ પાર્ટીઓ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવશે. જેથી ટિકિટ મેળવવા ઈચ્છતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને દોડધામ જોવા મળી રહી છે. ત્યારે ?ભાજપ પ્રદેશ મોવડીમંડળના ત્રણ નિરીક્ષકો ૧લી એપ્રિલ સવારથી વિદ્યાનગર કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને એક પછી એક વોર્ડ મુજબ કાર્યકરો તથા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ?કરમસદ-આણંદ હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની હોવાથી, કોર્પોરેટર બનવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં ટિકિટ વાંછુકો પોતપોતાના બાયોડેટા સાથે સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા પહોંચ્યા હતા. યુવા ચહેરાઓથી લઈને પૂર્વ નગરસેવકો સુધીના અનેક અગ્રણીઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલી આ સેન્સ પ્રક્રિયાનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરી પ્રદેશ ભાજપ હાઈકમાન્ડને સોંપવામાં આવશે.


