'પ્રજાના પ્રશ્નો ઉકેલશો તો જ સંગઠન મજબૂત થશે', મનસુખ વસાવાએ ભાજપના જ પદાધિકારીઓને પત્ર લખી ખખડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકામાં લાંબા સમયથી કાયમી ચીફ ઓફિસરની નિમણૂક ન થતા વિકાસકામો ઠપ્પ થઈ ગયા છે. આ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપના સ્થાનિક પદાધિકારીઓને પત્ર લખીને ગંભીર આક્ષેપો સાથે રોષ વ્યક્ત કર્યો છે. મનસુખ વસાવાએ જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યને પત્ર લખીને સંગઠન અને વહીવટ વચ્ચેના તાલમેલના અભાવ પર આકરા પ્રહારો કર્યા છે.
પદાધિકારીઓને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી
સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, અગાઉ રાજપીપળાના ચીફ ઓફિસરની ખોટી રીતે બદલી કરાવાઈ હતી. હવે જ્યારે આખા ગુજરાતમાં બદલીઓ થઈ ત્યારે રાજપીપળામાં કાયમી અધિકારી કેમ નહીં? તેમણે આક્ષેપ કર્યો કે લોકચર્ચા મુજબ, નગરપાલિકાના મહિલા પ્રમુખનો વહીવટ ખરાબ દેખાય તેવા ઈરાદાથી જ નવો ઓફિસર મૂકવામાં આવતો નથી.
વિકાસના કામો પર 'બ્રેક' લાગ્યાનો આક્ષેપ
પત્રમાં સાંસદે સરકારમાં રજૂઆત કરવા પદાધિકારીઓને ટકોર કરી છે કે, ચીફ ઓફિસરની સહી વગર અનેક વિકાસકામો અટકી પડ્યા છે. વન વિભાગે ફોરેસ્ટ કાયદાના બહાને દેડિયાપાડાના ₹29 કરોડના 3 બ્રીજ અને અનેક રોડના કામો અટકાવી દીધા છે, જેનું ખાતમુહૂર્ત ખુદ પીએમ મોદીએ કર્યું હતું. સાંસદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'તમે સંગઠનમાં માહિર છો, પણ પ્રજાના પ્રશ્નો ઉકેલશો તો જ સંગઠન મજબૂત થશે.'

ચૂંટણી પહેલા કાર્યવાહી કરવાની માંગ
મનસુખ વસાવાએ માંગ કરી છે કે આગામી ચૂંટણીઓ પહેલા રાજપીપળા નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થાય તે માટે પદાધિકારીઓએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ. જો આમ નહીં થાય તો નગરજનોની સુખાકારી જોખમાશે અને વિકાસના કામો કાગળ પર જ રહી જશે તેવી ભીતિ તેમણે વ્યક્ત કરી છે.
સાંસદના આ પત્રથી જિલ્લા ભાજપના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે આ પત્ર બાદ સરકાર રાજપીપળાને કાયમી ચીફ ઓફિસર આપે છે કે કેમ?









