'તમે અહીંના રાજા નથી'.. સાંસદ વસાવાએ કલેક્ટર-મામલતદારને ખખડાવ્યા, વેપારીઓને પણ ચીમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada News: દેડીયાપાડાના નિગટ ગામે આયોજિત વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સરકારી જમીનો પર રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કાપવા મામલે તેમણે સ્થાનિક તંત્ર, જિલ્લા કલેક્ટર અને મામલતદારને ખખડાવ્યા હતા, તો ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ ન આપવા મુદ્દે વેપારીઓને આડેહાથ લીધા હતા.
કલેક્ટર અને મામલતદારને જાહેરમાં ઠપકો આપ્યો
મંચ હતો વિકાસ સપ્તાહ કાર્યક્રમનો, જ્યાં વિસ્તારમાં થયેલા અને થવાના હોય તેવા વિકાસ મુદ્દે ચર્ચા અને મનોમંથન થવાનું હતું, પરંતુ એ બધી વાત બાજુએ મુકી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓનો ઉધડો લઈ લીધો. કાર્યક્રમ પહેલા સાંસદને ફરિયાદ મળી હતી કે સરકારી જમીનો પર રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન કાપી નાખવામાં આવી રહ્યા છે. જે મુદ્દે સાસંદે પહેલા તો મામલતદારને ખખડાવ્યા અને કહ્યું, કે 'મામલતદાર છો તો તમે ગામના રાજા નથી, એટલુ સમજી લેજો. સરકારી જમીનોમાં રહેતા આદિવાસીઓના વીજ કનેક્શન શા માટે કપાવી નાખો છો?'
બીજી તરફ સાંસદે આ સમગ્ર મામલે જિલ્લા વહીવટી અને જિલ્લા કલેક્ટરને પણ આડકતરી ચીમકી આપી હતી. તેમણે કહ્યુ કે, 'કોઈ પણ ગામમાં કોઈ પ્રોજેક્ટ લાવતા પહેલા અમને પુછો, અમારું ધ્યાન દોરો અને આદિવાસીઓને રંજાડવાનું કામ ન કરશો. વિકાસ કરવો હોય તો પદાધિકારીઓ અને અધિકારીઓને તમામ સાથે રાખીને કોઈ પણ પ્રોજેક્ટ લાવવો જોઈએ. જિલ્લા કલેક્ટર અહીંના રાજા નથી, અમને છંછેડતા નહીં પછી જોઈ લેજો.' નોંધનીય છે કે, સાંસદના આ આક્રમક વલણથી સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં ગરમાવો આવ્યો છે.
APMC અને વેપારીઓને ટકોર કરી
કાર્યક્રમમાં ખેડૂતોએ સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી કે, મકાઈનો જાહેર થયેલો ભાવ 2100 રૂપિયા હોવા છતાં વેપારીઓ માત્ર 1800થી 2000 રૂપિયાના ભાવ આપીને લૂંટી રહ્યા છે. આ મામલે મનસુખ વસાવાએ મંચ પરથી દેડીયાપાડાના વેપારીઓને ચીમકી આપી હતી કે, ' ખેડૂતોને લૂંટવાના ધંધા બંધ કરજો, આદીવાસીઓનું શોષણ ન કરો, જે તેઓ કંટાળશે તો ત્રાજવા અને બિસ્ત્રા-પોટલા લઈને વેપારીઓએ ભાગી જવું પડશે. જે લોકો આવું કરે છે એવા લોકો પર કેસ કરવા તંત્રને ટકોર કરું છું. તંત્ર આમાં ધ્યાન આપે નહીં તો હું જાતે આવા વેપારીઓ પર કાર્યવાહી કરીશ તો ભારે પડશે.'









