બોટાદ મહાપંચાયત અથડામણ મામલે 85 લોકો સામે નામજોગ FIR, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો દાખલ

Hadadad Mahapanchayat News: બોટાદના હડદડ ગામમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે થયેલી હિંસક અથડામણનો મામલો વધુ ગંભીર બન્યો છે. આ બબાલને લઈને હવે AAPના નેતાઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે. AAPના નેતાઓ સહિત 85 લોકો સામે હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને સરકારી મિલકતને નુકસાન કરવા સહિતની ગંભીર ગુનાની ધારાઓ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.
પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત 85 લોકો સામે નામજોગ FIR
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, AAPના મુખ્ય નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત કુલ 85 લોકો સામે નામજોગ FIR દાખલ કરવામાં આવી છે. આ સિવાય અન્ય અજાણ્યા લોકો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. મહાપંચાયત દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
હડદડ ગામમાં પોલીસ કાફલો ખડકાયો, રેન્જ આઈજીએ કર્યું સ્થળ નિરીક્ષણ
બોટાદમાં બબાલ અને પથ્થરમારાની ઘટના બાદ તંગદિલીનો માહોલ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હડદડ ગામમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઇન્ચાર્જ રેન્જ આઈજી નિલેશ જાદડીયાએ જાતે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિનું અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આ મામલે હજુ વધુ ધરપકડ થવાની શક્યતાઓ છે.
આ પણ વાંચો: VIDEO: બોટાદના હડદડની ખેડૂત મહા પંચાયતમાં મહાસંગ્રામ: પોલીસ પર પથ્થરમારો, અનેકની અટકાયત
AAPનો આક્ષેપ: સરકારના ઈશારે આંદોલનને વિખેરી નાખવાનો પ્રયાસ
ખેડૂત મહાપંચાયતનું આયોજન માર્કેટ યાર્ડના કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે ભાજપ સરકારના ઈશારે શાંતિપૂર્ણ આંદોલનને વિખેરી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ પોલીસે દાવો કર્યો છે કે મહાપંચાયત માટે કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી અને ગેરકાયદેસર રીતે ભેગા થયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરીને સરકારી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. આ અથડામણમાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
શું હતો સમગ્ર મામલો?
બોટાદના હડદડ ગામમાં આજે 12 ઓક્ટોબરે ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબુમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા અને કેટલાક લોકોની અટકાયત કરી હતી.
પથ્થરમારો પોલીસનું ષડયંત્ર હોવાનો આરોપ
AAP નેતા રાજુ કરપડાએ કહ્યું કે, 'રવિવારે સવારથી અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી, ખેડૂતોને હડદડ આવતા રોકવામાં આવ્યા હતા અને ખેડૂતોને ઉશ્કેરવામાં પણ આવ્યા હતા. શાંતિથી ખેડૂતો ગામમાં બેઠા હતા, ત્યારે સિવિલ ડ્રેસ અને મોઢા પર રૂમાલ બાંધીને અમુક લોકો ટોળામાં આવે છે અને એજ સમયે પાછળથી પોલીસની વાન આવે છે. તેવામાં જે લોકો રૂમાલ બાંધીને આવ્યા હતા, તેઓ પથ્થરો લઈને પોલીસની વાન પર હુમલો કરે છે. ખેડૂતોનો અવાજ દબાવવા માટે આ એક આયોજનપૂર્વક ષડયંત્ર હતું.'