ભાજપમાં જૂથવાદ? અમરેલીના શરદોત્સવ મિલ્ક ડે કાર્યક્રમમાં ધારાસભ્યોની ગેરહાજરી ઉડીને આંખે વળગી
Amreli BJP: અમરેલીની અમર ડેરી દ્વારા આયોજિત શરદોત્સવ મિલ્ક ડે કાર્યક્રમમાં ભાજપની આંતરિક જૂથવાદ ઉભરીને આંખે વળગ્યો હતો. આ કાર્યક્રમ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને કેન્દ્રીય મંત્રી તથા રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાની અધ્યક્ષતામાં ઉજવાયો હતો. જેમાં રૂપાલા અને સંઘાણી સહિત હાજર નેતાઓ ગરબે ઘુમી ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં દિગ્ગજ નેતાઓની હાજરી વચ્ચે જિલ્લાના મોટાભાગના પદાધિકારીઓ ગેરહાજર રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા વર્તમાન રાજકીય નેતૃત્વની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.
આ પણ વાંચોઃ મેઘરાજાની વિદાયમાં વિલંબઃ હવામાન વિભાગની વરસાદ અંગે લેટેસ્ટ આગાહી, માછીમારોને ચેતવણી
ધારાસભ્યો અને સાંસદ ગેરહાજર
નોંધનીય છે કે, શરદોત્સવ મિલ્ક ડેના કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના તમામ પાંચ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા, જેમાં અમરેલી, લાઠી, સાવરકુંડલા, ધારી અને રાજુલાના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અમરેલી લોકસભાના સાંસદ ભરત સુતરિયા અને જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના અગ્રણી નેતાઓ પણ જોવા મળ્યા નહોતા.
આ પણ વાંચોઃ અમદાવાદમાં પેટ્રોલ પંપ પર કામ કરતી સગીરાની છેડતી, અશ્લીલ માગ કરનારની POCSO હેઠળ ધરપકડ
પાર્ટીમાં આંતરિક ખેંચતાણ અને જૂથવાદ
જોકે, સામે પક્ષે પૂર્વ સાંસદ નારણ કાછડીયા અને પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણી જેવા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરી વચ્ચે ધારાસભ્યો અને સાંસદની ગેરહાજરીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, જિલ્લા ભાજપ સંગઠન અને સહકારી ક્ષેત્રના નેતાઓ વચ્ચે આંતરિક ખેંચતાણ અને જૂથવાદ વધી રહ્યો છે. આ ઘટનાથી સ્થાનિક વિશ્લેષકોમાં ચર્ચાઈ રહ્યું છે કે, અમરેલી ભાજપમાં સબ સલામત નથી અને જિલ્લાના નેતાઓ અલગ-અલગ જૂથોમાં વહેંચાયેલા છે.