Get The App

એરંડાથી આતંક : બાયો ટેરરની 4 રાજ્યમાં સંયુક્ત પોલીસ તપાસ, યુપી-રાજસ્થાન અને તેલંગાણા ATS અમદાવાદમાં

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
એરંડાથી આતંક : બાયો ટેરરની 4 રાજ્યમાં સંયુક્ત પોલીસ તપાસ, યુપી-રાજસ્થાન અને તેલંગાણા ATS અમદાવાદમાં 1 - image


Gujarat News: હથિયારોની ખરીદીની બાતમી પરથી ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ અને કલોલ નજીક કરાયેલી કાર્યવાહીથી દેશમાં બાયોટેરર ફેલાવવા પાકિસ્તાનથી પ્રયાસો શરૂ થયાનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આથી જ, કેન્દ્ર સરકારે આ બાબતને અતિ ગંભીરતાથી લઈને એરંડાથી આતંક મચાવવાના પ્રયાસની તપાસમાં ગુજરાત સાથે યુ.પી, રાજસ્થાન અને તેલંગાણા એટીએસને પણ સક્રિય કરી છે. પાકિસ્તાનથી સંચાલિત બાયોટેરરના કિસ્સામાં પકડાયેલાં ત્રણ આરોપીના ફોનમાંથી રેકી કરાયેલાં સ્થળોના અને અન્ય મળીને 250થી વધુ ફોટોગ્રાફ અને વીડિયો મળી આવ્યાં છે. આ ફોટા-વીડિયોને મહત્ત્વના ગણીને ચાર રાજ્યની પોલીસ સંયુક્ત તપાસ કરશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સળંગ ચોથા દિવસે 16 ડિગ્રીથી નીચું તાપમાન, દાહોદ 12.2 ડિગ્રી સાથે ઠંડુગાર

ફોનમાંથી 250 ફોટા-વીડિયો મળ્યા

એરંડાથી આતંક મચાવવાનો દેશનો પ્રથમ કિસ્સો કલોલ પાસેથી પકડી પાડી ગુજરાત એટીએસ ટીમે ડૉ. અહેમદ સૈયદ અને બે સાગરિતો આઝાદ શેખ અને મોહમંદ  સુહેલ સલીમ ખાનને ઝડપી રિમાન્ડ ઉપર મેળવ્યાં છે. પાકિસ્તાનથી ડ્રોન મારફતે બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ અને 30 કારતુસ ભારતની રાજસ્થાન સરહદે મોકલાયાં હતાં. આ હથિયારો લઈને આઝાદ અને સુહેલ આવ્યાં હતાં. બંને પાસેથી આ હથિયારો મેળવીને જતા મૂળ હૈદરાબાદના ડૉ. અહેમદને એટીએસએ ઝડપી લીધા હતા. સાથે જ ત્વરિત કાર્યવાહી કરીને આઝાદ અને સુહેલને પણ ઝડપી લેવામાં આવ્યાં હતાં. પ્રાથમિક પૂછપરછમાં જ અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મોહંમદ સલીમ ખાન પાકિસ્તાન સ્થિત આઇએસકેપી નામના આતંકી સંગઠન માટે ભારતમાં સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ડૉ. અહેમદ પાસેથી કેસ્ટર ઓઇલ એટલે કે એરંડાના તેલનો જથ્થો મળ્યો હતો તે બાબત એટીએસને શંકાસ્પદ લાગી હતી. બીજી તરફ, ડૉ. અહેમદ તો પોતે ગુજરાતમાં વેપાર - ધંધો કરવા આવ્યો હતો અને અગાઉ પણ એક વખત આવી ચૂક્યો હોવાની કહાની એટીએસ સમક્ષ કરતો રહ્યો હતો.

એરંડામાંથી ઝેર બનાવી ભારતમાં બાયો-ટેરરનો પ્લાન

પાક્કી બાતમી અને હથિયારો પકડાયા હોવાથી ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ અને મોબાઈલ ફોનની તપાસ કરાતાં એટીએસ પણ ચોંકી ઉઠી હતી. પાકિસ્તાન સ્થિત આઇએસકેપી નામના આતંકી સંગઠન માટે અહેમદ આઝાદ અને મોહંમદ ભારતમાં સક્રિય હતા. અહેમદે છેલ્લા આઠેક મહિનામાં આઈ.કે.પી.એસ. એટલે કે ઇસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સના હેન્ડલર અબુ ખલીજા સાથે અનેક વખત ચેટ કરી હતી. અબુ ખલીજા પાકિસ્તાન બેઠાં બેઠાં ચેટ કરીને ડૉ. અહેમદને એરંડામાંથી ઝેર બનાવીને ભારતમાં બાયો-ટેરરનો પ્લાન ઘડી રહ્યો હતો.

આ પણ વાંચોઃ એસટી બસને અથડાઈ પીકઅપ વાન પલટી જતા બે લોકોનાં મોત : 18 ઈજાગ્રસ્ત

ગુજરાત એટીએસએ પકડી પાડેલા ડૉ. અહેમદ ઉપરાંત આઝાદ અને સુહેલના ત્રણ મોબાઈલ ફોનમાંથી તેમણે રેકી કરી હતી તેવા અને અન્ય મળીને કુલ 250 ફોટોગ્રાફ અને વીડિયો મળી આવ્યાં હતાં. રેકી કરાઈ હતી તેવા સ્થળોના ફોટોગ્રાફ ઉપરાંત અન્ય વીડિયો જોતાં ગુજરાત સાથે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને તેલંગાણામાં બાયો-ટેરરનું પ્લાનિંગ હોવાનું જણાઈ રહ્યું છે.

એટીએસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન

નવતર પ્રકારના આતંકના આયોજનને મૂળ સુધી સમજવા માટે ગુજરાત એટીએસ ઉપરાંત યુ.પી, રાજસ્થાન અને તેલંગાણા એટીએસની ટીમ દ્વારા સંયુક્ત તપાસના ચક્રો ગતિમાન કરાયાં છે. સૌથી ગંભીર બાબત એ પણ છે કે, વિશ્વમાં આ અગાઉ ઈરાન અને અફઘાનિસ્તાનમાં આઈ.એસ.કે.પી. એટલે કે ઇસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સ નામના આતંકી સંગઠનનો ઉપયોગ થઈ ચૂક્યો છે. હવે, ભારતમાં નવતર આતંકની કડીઓ મેળવવા સક્રિય ઉચ્ચ સ્તરની એજન્સીઓ મૌન ધારણ કરીને ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.

એરંડામાંથી રાઈઝીન ઝેર બનાવી એકસાથે અસંખ્ય લોકોને ખાવા-પીવામાં આપીને આતંક મચાવવાનો નવા પ્રકારનો ટેરર પ્લાન પાકિસ્તાનના આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સના હેન્ડલર અબુ ખલીજાએ આપ્યો હતો. ગુજરાત એટીએસએ પકડી પાડેલા ડૉ. અહેમદ સૈયદની પૂછપરછમાં એવી વિગતો ખુલી છે કે, આઈ.એસ.કે.પી. સંગઠનના અબુ ખલીજા સાથે તે સાત-આઠ મહિનાથી સંપર્કમાં હતા. અબુએ અહેમદને આ ચેટ દરમિયાન જ એરંડામાંથી ઝેર બનાવવાની પદ્ધતિ સમજાવી હતી. એરંડાના બીજને પ્રોસેસ કરીને રંગ અને ગંધ વગરનો પાઉડર બનાવવામાં આવે તે કોઈપણ પ્રવાહી કે ખોરાક સાથે ભેળવીને આપી દેવાય તો માણસનું મૃત્યુ નિપજી શકે છે. એરંડાના બીજના કચરામાં પ્રોસેસ કરીને રાઈઝીન નામનું ઝેર બને માત્ર પાંચ મિલિગ્રામ જેટલી માત્રામાં આપી દેવાય તો 36થી 72 કલાકમાં મૃત્યુ  નિપજી શકે છે. રાઈઝીન પાણી, શ્વાસથી કે ખોરાક વડે શરીરમાં જાય તો સૌ પ્રથમ ડાયેરિયા થાય છે. ત્યાર બાદ ગણતરીના કલાકોમાં કિડની, લિવર અને મગજ ફેલ થઈ જતા માણસનું મોત થાય છે. ગંભીર બાબત એ પણ છે કે, રાઈઝીન ઝેરનો ઉપયોગ વૈશ્વિક સ્તરે યુદ્ધ અને જાસૂસીમાં પણ થાય છે. પાકિસ્તાની હેન્ડલરે એરંડામાંથી રાઈઝીન ઝેર બનાવી આતંકવાદ માટે ઉપયોગની પદ્ધતિ શિખવી તે ડૉ. અહેમદ પકડાઈ ગયો છે.


Tags :