લક્ષ્મીપુરા પાસે વાહનની ટક્કરે બાઈક સવારનું મોત નીપજ્યું

દહેગામ-વાસણા રોડ પર
લગ્નમાં હાજરી આપી પરત ઘરે ગણેશપુરા જતા હતા તે દરમિયાન અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર
છેલ્લા થોડા સમયથી ગાંધીનગરના અલગ અલગ માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ હિટ એન્ડ રનના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થયો
છે. આ સ્થિતિમાં દહેગામ તાલુકાના દહેગામ વાસણા રોડ ઉપર લક્ષ્મીપુરા પાસે ગઈકાલે
રાત્રે વધુ એક હીટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. જેમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું
છે.
જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દહેગામના
ગણેશપુરા ખાતે રહેતા જેસંગભાઈ પ્રતાપભાઈ ઓડ તેમના પરિવાર સાથે હાલ વજાપુર પાસે
ઈંટોના ભઠ્ઠા ઉપર રહે છે. જોકે ધારીશના ખાતે તેમને લગ્ન પ્રસંગમાં હાજરી આપવાની
હોવાથી તેઓ તેમનું બાઈક લઈને ત્યાં ગયા હતા. જોકે રાત્રે મોડું થઈ જતા તેમના
પુત્રને કહ્યું હતું કે તે રાત્રે ગણેશપુરામાં જ રોકાઈ જશે. જોકે વહેલી સવારે
તેમના પુત્ર ઉપર ૧૦૮ એમ્બ્યુલન્સના સંચાલકનો ફોન આવ્યો હતો અને તેણે તેમના પિતાને
અકસ્માત થયો હોવાની જાણ કરી હતી. જેથી તે તાત્કાલિક દહેગામ હોસ્પિટલ પહોંચ્યા હતા.
જ્યાં જાણવા મળ્યું હતું કે,
કોઈ અજાણ્યો વાહન ચાલક તેમના પિતાના બાઇકને હડફેટે લઈને ફરાર થઈ ગયો હતો અને
જે ગંભીર અકસ્માતમાં તેમનું મોત થયું છે. જેથી હાલ તેમના પુત્ર કિરણ ઓડની ફરિયાદના
આધારે દહેગામ પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૃ કરી છે.








