ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં 6 દિગ્ગજો રિપીટ, ખાતાની ફાળવણી પર સસ્પેન્સ!

Gujarat Cabinet Reshuffle: ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી દીધી છે. બુધવારે (16 ઑક્ટોબર, ગુરુવાર) રાજ્યના તમામ 16 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા બાદ આજે, શુક્રવારે (17 ઑક્ટોબર) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળ માટે શપથવિધિ યોજાશે.
આ વિસ્તરણમાં કુલ 26 મંત્રીઓની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં "નો-રિપીટ" થિયરીની ચર્ચા વચ્ચે, નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કુલ 7 મંત્રીઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે પક્ષે અનુભવ અને કાર્યક્ષમતાને મહત્ત્વ આપ્યું છે.
આ 6 મંત્રીઓ રિપીટ થયા:
નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય જે 6 મંત્રીઓનું પુનરાવર્તન થયું છે તેમાં નીચેના દિગ્ગજોનો સમાવેશ થાય છે:
- ઋષિકેશ પટેલ
- કુંવરજી બાવળીયા
- પરષોત્તમ સોલંકી
- પ્રફુલ પાનસેરિયા
- હર્ષ સંઘવી
- કનુ દેસાઈ
આ પણ વાંચોઃ ગુજરાતનો સરકાર વિરોધી માહોલ ઠારવા મંત્રીમંડળની 'સર્જરી' કરાઈ, સમજો ભાજપનું ગણિત!
પહેલાં કોની પાસે કયું ખાતું હતું?
જોકે આ 6 મંત્રીઓએ રાજીનામું આપી દીધું હોવાથી, તેમને નવા મંત્રીમંડળમાં કયા ખાતા ફાળવવામાં આવશે તે અંગે રાજકીય વર્તુળોમાં ભારે અટકળો ચાલી રહી છે. અગાઉ, તેમની પાસે નીચે મુજબના મહત્ત્વપૂર્ણ વિભાગો હતા:
ઋષિકેશ પટેલ: આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો.

કુંવરજી બાવળીયા: જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા.

પરષોત્તમ સોલંકી: મત્સ્યોદ્યોગ અને પશુપાલન.

પ્રફુલ પાનસેરિયા: સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ.

હર્ષ સંઘવી: રમત ગમત અને યુવક સેવા, ગૃહ રક્ષક દળ, ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉદ્યોગ (રાજ્યકક્ષા-સ્વતંત્ર હવાલો).

કનુ દેસાઈ: નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ.

શપથવિધિ પર નજર:
આજે શપથવિધિ સમારોહ બાદ મોડી સાંજે અથવા આવતીકાલે આ નવા અને રિપીટ થયેલા મંત્રીઓને તેમના ખાતાઓની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે. હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયા જેવા યુવા ચહેરાઓને પ્રમોશન આપી કેબિનેટ કક્ષાનું સ્થાન મળે છે કે કેમ, અને અગાઉના દિગ્ગજોને તેમના જૂના ખાતા જાળવી રખાય છે કે પછી મહત્ત્વના વિભાગોમાં ફેરબદલ થાય છે, તે જોવું રહ્યું. આ મંત્રીમંડળ વિસ્તરણને ભાજપની 2027ની ચૂંટણીની રણનીતિના ભાગ રૂપે જોવામાં આવી રહ્યું છે, જેમાં પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણોને મહત્ત્વ આપીને નવા ચહેરાઓને તક આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.


