સુરેન્દ્રનગરમાં જમીન વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું, વેપારી પર તલવાર વડે હુમલો, બે રાઉન્ડ ફાયરિંગ

Violent in Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં જમીન વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં 12થી વધુ લોકોના ટોળાએ એક વેપારી પર તલવાર અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. એટલું જ નહીં હુમલાખોરોએ ભય ફેલાવવાના ઈરાદે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાના અહેવાલ છે.
વેપારી સહિત અનેક ઈજાગ્રસ્ત, બુટલેગર સામે શંકાની સોય
મળતી માહિતી અનુસાર, આ હુમલામાં વેપારી સહિત અન્ય કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, ફાયરિંગ કરનાર અને હુમલામાં સામેલ મુખ્ય વ્યક્તિ બુટલેગર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જમીન વિવાદમાં બદમાશો દ્વારા આ પ્રકારની દાદાગીરી અને હિંસાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
આ પણ વાંચો: આણંદ હાઇવે પર ટ્રિપલ અકસ્માતઃ એકનું ઘટનાસ્થળે મોત, અન્ય બે વાહનોના ડ્રાઇવર ફરાર
પોલીસ વિભાગમાં દોડધામ
ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. DYSP સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે હુમલો કરનાર 12થી વધુ આરોપીઓ અને ફાયરિંગ કરનાર શખસને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ અંગે ગુનો નોંધીને ફાયરિંગ કયા હથિયારથી કરવામાં આવ્યું હતું, તેની વિગતો અને જમીન વિવાદની મૂળભૂત વિગતો મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.