લો બોલો... ભુજમાં પોલીસની આંખ સામે જ PSOને ધક્કો મારીને લોકઅપમાંથી ભાગી ગયો આરોપી
Bhuj Crime: કચ્છના ગાંધીધામના ખારીરોહરનો આરોપી માનકૂવા પોલીસના લોકઅપમાંથી નાસી છૂટતા પશ્ચિમ કચ્છ પોલીસ દોડતી થઈ છે. મંગળવારે (12 ઓગસ્ટ) રાત્રે દસ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બીમારીનું બહાનું કાઢીને આરોપી નાસી છૂટતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. 12 કલાકમાં પોલીસે તેને પાછો પકડી લીધો છે.
શું હતી ધટના?
મળતી માહિતી મુજબ, ભુજમાં છરીની અણીએ લૂંટ આચરવાના ગુનામાં ઝડપાયેલો આરોપી ઉમર ઉર્ફે શકીલ કારા કટીયા ગાંધીધામના ખારીરોહરનો આરોપી માનકૂવા પોલીસના લૉકઅપમાંથી નાસી ગયો હતો. મંગળવારે (12 ઓગસ્ટ) રાત્રે દસ વાગ્યે પોલીસના નાક નીચેથી ભાગી ગયો હતો. જ્યારે રાત્રે જમાવાનું આપવા માટે પીએસઓએ લોકઅપ ખોલ્યું ત્યારે આરોપીએ છાતીમાં દુખાવાનું બહાનું કર્યું હતું. છાતીમાં દુખાવાના કારણે તેને બહાર કાઢવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે અચાનક પીએસઓને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગયો હતો. હાજર પોલીસ કર્મચારીઓ કંઈ સમજે તે પહેલાં તે અંધારામાં ગુમ થઈ ગયો હતો. જોકે, શોધખોળ બાદ બુધવારે (13 ઓગસ્ટે) બપોર 3 વાગ્યા પહેલાં તેને ફરી ઝડપી લીધો છે.
આ પણ વાંચોઃ અમદાવાદ નહેરૂનગર હિટ એન્ડ રનઃ પોલીસ કસ્ટડીમાં આરોપીને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ
છરીની અણીએ કરી લૂંટ
નોંધનીય છે કે, આરોપી ઉમર ઉર્ફે શકીલ કારા કટીયાએ 16 જુલાઈએ અડધી રાત્રે 3 વાગ્યે સુખપર પાસે ઇકો કાર લઈને પસાર થતા 60 વર્ષીય છાપાના ફેરિયાને અટકાવી તેના ગળા પર છરી મૂકી હતી. બાદમાં ઉમર અને તેના અન્ય સાથીઓએ તે શખસ પાસેથી 7 હજાર રોકડા અને મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. ઘટનાની જાણ થતા માનકૂવા પોલીસની ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી તેને ઝડપી લીધો હતો. જોકે, પકડાયા બાદ પણ આરોપી પોલીસના સકંજામાંથી ભાગી ગયો હતો.