જામનગરના મચ્છરનગરમાં સૌ પ્રથમ વખત અતિ અત્યાધુનિક 'મહારાણા પ્રતાપ લાઇબ્રેરી' નું ખાતમુહૂર્ત કરાયું
Jamnagar : જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેઓ પોતાના મત વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ખાસ ચિંતિન કરીને પરીક્ષાલક્ષી અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વાંચનનું સ્થળ મળી રહે, તેવા ઉદ્દેશ્યથી વોર્ડ નંબર-2 માં ગંગેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલા કોમન પ્લોટમાં એ.સી. સહિતની તમામ સુવિધાઓથી સુસજ્જ એવા મહારાણા પ્રતાપ પુસ્તકાલય બનાવવા માટેની યોજના ઘડી કાઢી હતી, અને તેના અનુસંધાને ધારાસભ્યની 100 ટકા ગ્રાન્ટ માંથી રૂપિયા 30 લાખના ખર્ચે નવા પુસ્તકાલયનું નિર્માણ કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે.
જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના કોમ્પિટિટિવ પરીક્ષા (સરકારી)ની તૈયારી કરતા વિધાર્થીઓ અને નાગરિકોને પોલીસ ભરતી સહિતની ઉચ્ચ અભ્યાસક્રમના પુસ્તકો વગેરેના વાંચન માટે પુસ્તકો સહિતની સુવિધા સભર યોગ્ય સ્થળ મળી રહે, તેવા ઉમદા હેતુથી ધારાસભ્ય રિવાબા જાડેજાની વર્ષ 2023-24 ની માર્ગ અને મકાન વિભાગની સ્પેશિયલ 100 ટકા ગ્રાન્ટમાંથી આશરે રૂપિયા 30 લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજજ તેમજ એર કન્ડિશનની સુવીધા સહિતના મહારાણા પ્રતાપ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત ગઈકાલે મંગળવાર તારીખ 12-8-2025 ના સાંજે પાંચ કલાકે વોર્ડ નંબર બે માં મચ્છરનગર વિસ્તારમાં ગંગેશ્વર મહાદેવના મંદિર નજીક આવેલા કોમન પ્લોટમાં રાખવામાં આવ્યું હતું.
જે ખાતમુહૂર્તના પ્રસંગમાં ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાની સાથે નગરના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક જૂથના નેતા આશિષ જોશી, સ્થાનિક કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા (હકાભાઇ), જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, કૃપાબેન ભારાઈ, કિશનભાઈ સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા, જસુબા ઝાલા, પ્રભાબેન ગોરેચા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમ કકનાણી, નગરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, શહેર ભાજપના વોર્ડ પ્રમુખ-મહામંત્રીઓ તથા રાજપુત સમાજના અગ્રણીઓ અને સ્થાનિક વોર્ડના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે સર્વેની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિની સાથે નવા પુસ્તકાલયનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે સર્વેનું ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા અભિવાદન કરાયું હતું.