અમદાવાદ નહેરૂનગર હિટ એન્ડ રનઃ પોલીસ કસ્ટડીમાં આરોપીને માર મારનારા 4 લોકો સામે ગુનો દાખલ
Ahmedabad Hit and Run: અમદાવાદમાં શનિવારે (10 ઓગસ્ટ) મોડી રાત્રે નહેરૂનગર ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારચાલક રોહન સોનીએ પૂરપાટ ઝડપે આવી બે એક્ટિવા સવાર યુવકને ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ત્યાર બાદ ઘટનાસ્થળેથી જ આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી અને 12 ઓગસ્ટે રોહન સોનીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. જોકે, મેટ્રો પોલીસ હજુ આરોપીને બહાર કાઢે ત્યાં તો મૃતકના પરિજનો ટોળું વળી ગયા અને આરોપીને માર મારવા લાગ્યા. આ દરમિયાન મૃતકના પરિજનોએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. જેને લઈને પોલીસે કાર્યવાહી કરી અને પોલીસ સાથે ગેરવર્તણૂક તેમજ કસ્ટડીમાં રહેલા આરોપી પર હુમલો કરવાના આરોપમાં 4 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.
પોલીસ સાથે કરી ઝપાઝપી
શનિવારે દોઢ વાગ્યે અમદાવાદના નહેરૂનગર ખાતે અકસ્માત સર્જી બે લોકોને કચડી દેનાર આરોપી રોહન સોનીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ જ્યારે આરોપીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર કરવા લઈ જઈ રહી હતી, તે સમયે એકાએક મૃતકોના સગા ત્યાં પહોંચી ગયા અને આરોપીને બહાર કાઢતાની સાથે જ તેને માર મારવા લાગ્યા. આ લોકો બૂમો પાડી રહ્યા હતા કે, 'ઈસને અપને આદમી કો મારા હૈ, ઈસકો ભી માર ડાલો.' સમગ્ર ઘટનામાં પોલીસે તમામ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો અને આરોપીને શાંતિથી કોર્ટમાં લઈ જવા માટે કહ્યું. પરંતુ, આ લોકો પોલીસનું સાંભળવા માટે તૈયાર નહતા અને પોલીસ સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યા હતા. જોકે, મહા મહેનતે પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો અને આરોપીને ચારેય બાજુથી કોર્ડન કરીને કોર્ટ પરિસરમાં લઈ જવામાં આવ્યો. બાદમાં પોલીસ સાથે ઝપાઝપી કરનાર તેમજ કસ્ટડીમાં રહેલા આરોપી પર હુમલો કરવાના કેસમાં 4 લોકો સામે ગુનો દાખલ કર્યો. જેમાં આદિલ શેખ, ઉજેફ અજમેરી, શાહિદ મિર્ઝા અને આયમન અજમેરી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસ 'ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ' થી સજ્જ, વિશેષતા જાણી ચોંકશો
શું હતી ઘટના?
અમદાવાદમાં 10 ઓગસ્ટે હિટ એન્ડ રનની ઘટના બની હતી. શહેરના નહેરુનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીની રાણીના પૂતળા પાસે બીઆરટીએસ કોરિડોર નજીક બેફામ કારે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેમાં એક્ટિવા પર સવાર બે યુવકોના દુર્ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં હતા. અકસ્માત બાદ ફરાર થયેલા રોહન સોનીએ સોમવારે (11 ઓગસ્ટ) સવારે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ત્યારબાદ મંગળવારે (12 ઓગસ્ટ) પોલીસે આરોપી રોહન સોનીને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવા લઈ ગઈ હતી. રેસ લગાવીને નહેરૂનગર વિસ્તારમાં અકસ્માત સર્જનારા રોહન સોનીના મેટ્રોપોલિટન કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જણાવી દઈએ કે, અકસ્માતમાં અશફાક અજમેરી અને અકરમ કુરેશીનું મોત થયું હતું. મૃતકો જમાલપુરના રહેવાસી હતા. આ ઘટના બાદ સામે આવેલા સીસીટીવી પરથી એવો દાવો કરાઈ રહ્યો છે કે, રોહન સોની અન્ય કાર સાથે રેસ લગાવી રહ્યો હતો જેના પરિણામે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જો કે પોલીસે આ મામલે પુષ્ટિ કરી નથી પરંતુ પુરાવા એકઠા કરીને તપાસ માટે મોકલી આપ્યા છે.