ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો: પત્ની-બાળકોની લાશ પથ્થર બાંધી દાટી હતી, ફોરેસ્ટ અધિકારી પતિની ધરપકડ

Bhavnagar Triple-murder Case: ભાવનગર શહેરમાં રુંવાડા ઊભા કરી નાખે તેવી ઘટના બની હતી. ભાવનગર વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાનાં પત્ની, પુત્ર અને પુત્રીના મૃતદેહો મળ્યા હતા. આ ત્રણેય હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ ખુદ ફોરેસ્ટ અધિકારીએ જ કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. આ અંગે ફોરેસ્ટ અધિકારીએ જ 7 નવેમ્બરે પોલીસ મથકમાં જઈને ફરિયાદ કરી હતી કે, પાંચમી નવેમ્બરે મારા પત્ની, પુત્રી અને પુત્ર ગુમ થઈ ગયા હતા. આ દરમિયાન 16 નવેમ્બરે એક અવાવરુ સ્થળે ત્રણેયના મૃતદેહ જમીનમાં દાટી દીધેલી સ્થિતિમાં મળતા ચકચાર મચી ગઈ હતી. બાદમાં પોલીસે આ ત્રણેય મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: રાજકોટ અનૈતિક સંબંધોનો કેસ : આત્મહત્યા કરનાર પતિના ફાયરિંગમાં ઈજાગ્રસ્ત પત્નીનું પણ મોત
ફોરેસ્ટ અધિકારીએ હત્યા કેમ અને કેવી રીતે કરી?
શૈલેષ ખાંભલા મૂળ સુરતના વતની છે. તેઓ ભાવનગર વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા હતા. જો કે, શૈલેષ ખાંભલાની ઈચ્છા હતી કે, તેમના પત્ની અને સંતાનો સુરતમાં સાસરે જ રહે, પરંતુ પત્નીને તેમની સાથે ભાવનગરમાં રહેવું હતું. આ મુદ્દે તેઓ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડો થતો. આ દરમિયાન 27 ઓક્ટોબરે તેમના પત્ની નયનાબહેન સુરતથી સંતાનોને લઈને ભાવનગર રજાઓ ગાળવા આવ્યા હતા. ત્યારે તેઓ વચ્ચે ફરી એકવાર વિવાદ થતા આ હત્યાઓ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. 
આ ત્રણેય હત્યા કેવી રીતે થઈ હતી?
પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા છે કે, શૈલેષ ખાંભલાએ અચાનક ગુસ્સામાં નહીં, પરંતુ પૂર્વાયોજન કરીને જ આ હત્યાઓ કરી છે. તેનું કારણ એ છે કે, હત્યા કરતા પહેલા તેણે પહેલી અને બીજી નવેમ્બરે અવાવરુ સ્થળે ખાડા કરાવ્યા હતા. આ પહેલા ત્યાં એક જ ખાડો હતો. બીજી તરફ, પોલીસે નોંધ્યું હતું કે, પરિવારના ત્રણેય સભ્યની હત્યા પછીયે શૈલેષ ખાંભલાના ચહેરા પર કોઈ લાગણી કે ગુસ્સો નહોતો દેખાતો. આ સ્થિતિએ પોલીસને શંકા ઉપજાવી હતી. તેની પૂછપરછમાં પણ તેને કોઈ પસ્તાવો ન હતો. આમ, આ હત્યાઓ ઠંડા કલેજે કરાયેલી છે. એટલું જ નહીં, ખાડામાં પાણી ભરાઈ જતા તેણે મૃતદેહોને પથ્થર સાથે બાંધીને તેના પર ગાદલાં નાંખ્યા હતા અને બાદમાં ખાડા પૂર્યા હતા. આ કામમાં તેણે કેટલાક કર્મચારીઓની પણ મદદ લીધી હતી.
પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ
ત્રણેયની હત્યા કર્યા બાદ આરોપી 7 નવેમ્બરે પોલીસ મથકે પહોંચ્યો અને ફરિયાદ નોંધાવી કે 5 નવેમ્બરથી તેની પત્ની અને બાળકો ગુમ છે. તેણે પત્નીના મોબાઈલમાંથી મેસેજ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો હતો, જોકે તે મેસેજ કોઈને સેન્ડ થયો ન હતો. ફરિયાદ નોંધાવ્યા બાદ પણ આરોપીના ચહેરા પર કોઈ ચિંતા, લાગણી કે ગુસ્સો (એગ્રેશન) ન દેખાતા પોલીસને તેના પર શંકા ગઈ હતી.

'કોલ્ડ બ્લડેડ' હત્યારો, ગુનાનો કોઈ અફસોસ નહીં
16 નવેમ્બરે મૃતદેહો મળી આવ્યા બાદ પોલીસે શૈલેષ ખાંભલાની આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને ગુનો કબૂલી લીધો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપીને પોતાના આ જઘન્ય કૃત્યનો સહેજ પણ અફસોસ નથી. તેણે આ 'કોલ્ડ બ્લડેડ' મર્ડર કર્યું છે.
શું હતો સમગ્ર મામલો?
ભાવનગરના તળાજા રોડ પર કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા તેમજ ભાવનગર વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાનો પરિવાર એટલે કે પત્ની નયનાબેન શૈલેષભાઈ ખાંભલા (ઉં. 40), પુત્રી પૃથ્વા શૈલેષભાઈ ખાંભલા (ઉં.13 ) અને ભવ્ય શૈલેષભાઈ ખાંભલા (ઉં. 9 ) ત્રણેય સુરતથી વેકેશન ગાળવા માટે ભાવનગર આવ્યા હતા. આ પરિવાર મૂળ સુરતનો વતની છે.
ભાવનગરમાં રજાઓ ગાળીને તે ત્રણેય 5 નવેમ્બરના રોજ સુરત જવા નીકળ્યા હતા, પરંતુ 7 નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલાએ પત્ની અને બાળકો ગુમ થઈ ગયા હોવાની ભરત નગર પોલીસ મથકમાં અરજી આપી હતી. આ અરજીના દસ દિવસ સુધી પોલીસ તંત્ર ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બાળકોની શોધખોળ કરી હતી. આ દરમિયાન પોલીસને મેસેજ મળ્યો હતો કે, ફોરેસ્ટ કોલોનીમાં એક અવાવરૂ સ્થળે ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. અહીં પોલીસે ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી અને એક સ્થળે ખોદકામ કરીને તપાસ કરતા ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. આ ત્રણેય મૃતદેહ ફોરેસ્ટ અધિકારીના પત્ની, પુત્રી અને પુત્રના જ હતા.
આ પણ વાંચો: ભાવનગરમાં 10 દિવસથી ગુમ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે બાળકોના મૃતદેહ જમીનમાં દાટેલા મળ્યા
પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ હાથ ધરાઈ
પોલીસે ત્રણેય મૃતદેહ કબજે લઈને ભાવનગર સર ટી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે શૈલેષ ખાંભલાની પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને ત્રણેય હત્યા કર્યાનું કબૂલી લીધું છે. હાલ પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જો કે, આ હત્યા કેમ કરી છે અને તેમાં બીજા કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
ફોરેસ્ટ અધિકારી પોલીસ મથકમાં જઈને પૂછપરછનો ઢોંગ કરતો
ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાએ પોતાનો પરિવાર ગુમ થઈ ગયાની પોલીસ ફરિયાદ કરી હતી. આ દરમિયાન તે ત્રણ દિવસ પહેલા પણ ભરત નગર પોલીસ મથકમાં જઈને પૂછપરછ કરતો હતો કે, ‘મારો પરિવાર ગુમ છે. આ કેસની તપાસ ક્યાં સુધી પહોંચી?’ એટલું જ નહીં, તેણે ભરત નગર પોલીસને કહ્યું હતું કે ‘મારે સુરત કામ છે, સુરત જવું છે.' ત્યારે પોલીસે તેને સુરત જવાની મંજૂરી પણ આપી દીધી હતી. જો કે, આ ત્રણેયનો હત્યારો તે પોતે જ નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

