રાજકોટ અનૈતિક સંબંધોનો કેસ : આત્મહત્યા કરનાર પતિના ફાયરિંગમાં ઈજાગ્રસ્ત પત્નીનું પણ મોત

Rajkot Crime News: રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર મેઇન રોડ પર સ્થિત સમેત શિખર એપાર્ટમેન્ટમાં શનિવારે બનેલી ફાયરિંગની ગોઝારી ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત તૃષાબેન પઢીયાર (ઉ.વ.39)નું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે સવારે તેમના પતિ લાલજીભાઇએ પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી પત્ની પર ફાયરિંગ કર્યા બાદ, પોતે પણ લમણે ગોળી ઝીંકી આત્મહત્યા કરી લીધી હતી. આ હચમચાવી દેનારી ઘટના પાછળ પત્નીના પ્રેમ સંબંધનું કારણ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
શું હતો સમગ્ર મામલો?
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તૃષાબેનને તેમના ભત્રીજા વિશાલ ગોહેલ સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ પતિ લાલજીભાઈને થઈ હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી તકરાર ચાલતી હતી, જે છેલ્લા ત્રણ માસથી ખૂબ વધી ગઇ હતી. આ કલેશના કારણે જ તૃષાબેન છેલ્લા દોઢેક માસથી પોતાનું ઘર છોડી, એપાર્ટમેન્ટની સામે જ સમેત શિખર એપાર્ટમેન્ટમાં રહેતી પોતાની બહેનપણી પૂજા સોની સાથે રહેવા જતા રહ્યા હતાં.
આ પણ વાંચો: રાજકોટમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ: પતિએ પત્ની પર ફાયરિંગ કરી પોતે પણ આત્મહત્યા કરી
શનિવારે (15 નવેમ્બર) સવારે તૃષાબેન અને પૂજાબેન નિયમ મુજબ એક્ટીવા પર જીમ ગયા હતા. જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં લાલજીભાઇ અગાઉથી જ રાહ જોઇને ઉભા હતા. લાલજીભાઇએ પાર્કિંગમાં ધસી આવી પત્ની તૃષા સાથે ઝઘડો શરૂ કર્યો હતો. ઉગ્ર બોલાચાલી બાદ લાલજીભાઇએ પત્નીને એક તમાચો ઝીંકી દીધો હતો, જેના કારણે બંને વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી.
આખરે ઉશ્કેરાયેલા લાલજીભાઇએ પોતાની લાયસન્સવાળી પિસ્તોલ કાઢી હતી. આ ખતરનાક દ્રશ્ય જોઇને ડરી ગયેલા પૂજાબેન તુરંત ત્યાંથી ભાગી ગયા હતાં. ત્યારબાદ લાલજીભાઈએ પત્ની તૃષા ઉપર ફાયરિંગ કરી તેને ગંભીર ઇજા પહોંચાડી હતી અને પછી એ જ પિસ્તોલથી પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે જણાવ્યું કે લાલજીભાઈએ કુલ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જ્યારે છઠ્ઠો રાઉન્ડ પિસ્તોલની ચેમ્બરમાં જ ફસાયેલો મળી આવ્યો હતો. પોલીસે .૩૨ બોરની આ પિસ્તોલ કબજે લીધી છે. લાલજીભાઈએ 2017ની સાલમાં આ હથિયારનું લાયસન્સ મેળવ્યું હતું. પોલીસે પિસ્તોલને એફએસએલમાં (FSL) મોકલી આપી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

