ભાવનગરમાં 10 દિવસથી ગુમ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે બાળકોના મૃતદેહ જમીનમાં દાટેલા મળ્યા

Bhavnagar News : ભાવનગર શહેરમાંથી એક અત્યંત ચકચારી અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેણે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. શહેરના કાચના મંદિર સામે આવેલી ફોરેસ્ટ કોલોની નજીકથી એક ફોરેસ્ટ અધિકારીના પત્ની અને તેમના બે માસૂમ બાળકોના મૃતદેહો જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ત્રણેય છેલ્લા 10 દિવસથી ગુમ હતા. તેઓ ઘરેથી સુરત જવાનું કહીને નીકળ્યા હતા. આ ઘટના મામલે ફોરેસ્ટ અધિકારી ACF શૈલેશ ખાંભલા શંકાના દાયરામાં છે. પોલીસ તેની અટકાયત કરી પૂછપરછ કરી શકે છે.

શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ફોરેસ્ટ અધિકારીના પત્ની નયના રબારી અને તેમના બે બાળકો, દીકરી પૃથા રબારી અને દીકરો ભવ્ય રબારી, છેલ્લા 10 દિવસથી લાપતા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. રવિવારે પોલીસને ફોરેસ્ટ કોલોની નજીકની જમીનમાંથી દુર્ગંધ આવતી હોવાની બાતમી મળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને શંકાસ્પદ જગ્યાએ ખોદકામ કરતાં ત્યાંથી એક પછી એક ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા, જે કોહવાઈ ગયેલી હાલતમાં હતા. મૃતદેહોની ઓળખ નયના રબારી અને તેમના બે બાળકો પૃથા અને ભવ્ય તરીકે કરવામાં આવી છે.

પોલીસ તપાસ અને શંકાની સોય
એક સાથે માતા અને બે બાળકોના મૃતદેહ દાટેલી હાલતમાં મળી આવતા આ ઘટના હત્યા હોવાની પ્રબળ આશંકા છે. પોલીસે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી અને ડોગ સ્ક્વોડ તથા FSLની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે. ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ હાલમાં આ કેસમાં હત્યાનો ગુનો નોંધીને તપાસ કરી રહી છે અને પરિવારના સભ્યો સહિત આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે. આ સનસનાટીભર્યા કેસમાં પોલીસની શંકાની સોય પરિવારના નજીકના સભ્યો પર જ હોવાનું મનાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં મોટો ખુલાસો થવાની સંભાવના છે.

