Get The App

ભાવનગર: સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP રીમા ઝાલા સામે ગંભીર આક્ષેપો

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર: સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ, DySP રીમા ઝાલા સામે ગંભીર આક્ષેપો 1 - image


Nayana Baraiya Case: ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ DySP રીમા ઝાલા પર સનસનીખેજ કથિત આરોપ કરતો વીડિયો ઉતારી આપઘાતનો પ્રયત્ન કરતાં હડકંપ મચ્યો છે. બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ગેસ્ટહાઉસમાં નયનાએ ઝેરી દવા ગટગટાવી છે, બોટાદની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે, હાલત હાલ ગંભીર છે. 

'DySP રીમા ઝાલા ઘર વેરવિખેર કરી નાખ્યું'

નયનાએ આરોપ લગાવ્યો છે કે DySP રીમા ઝાલાએ તેનું ઘર બરબાદ કરી દીધું છે, જ્યારે તેની ધરપકડ થઈ ત્યારે કોઈ મહિલા પોલીસ સાથે રાખી ન હતી ઉપરાંત 350 કિલોમીટર સુધી વૉશરૂમ પણ જવા દીધી ન હતી. 

આરોપીને ઘરમાં આશરો આપ્યો હતો!

ઉલ્લેખનીય છે કે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે એટ્રોસિટી કેસમાં ફરાર એક આરોપીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. આરોપી પાર્થ દિનેશ ધાંધલ્યાને શોધવા ભાવનગર પોલીસ દિવસ રાત એક કર્યા હતા પણ આખરે તે તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ નયના નાનજીભાઈ બારૈયાના ઘરે તેને આશરો મળ્યો હતો. આરોપીને આશરો આપતા તેને ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. જે બાદ તેને જેલ થઈ હતી. ગઇકાલે 10 ફેબ્રુઆરીએ જ તેને જામીન મળ્યા હતા.

નયના બારૈયાએ વાઈરલ વીડિયોમાં શું કહ્યું?

નયના બારૈયાએ વાઈરલ વીડિયોમાં DySP રીમા ઝાલા પર ગંભીર કથિત આરોપ મૂકતાં કહ્યું કે, 'રીમા ઝાલા દ્વારા મારી પર પાંચ-પાંચ ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં મારો એક ટકાએ એકપણ ગુનામાં મારો રોલ નહોતો, વાત કરીએ એટ્રોસિટીના આરોપી, જે મારા દાદાના દીકરા થાય. અનિલભાઈ અને મુકેશભાઈ તેના બે અજાણ્યા ભાણિયા એ રીતે ફરિયાદ નોંધાઈ હતી એટ્રોસિટીની. એમાં મારા દાદાના દીકરા કે જે એટ્રોસિટીના આરોપી છે, તેમણે 3-10-2025ના રોજ પિટિશન દાખલ કરેલી અને આરોપીના નામ સામેથી જાહેર કરેલા કે અક્ષય અને ચિરાગ નામના અજાણ્યા બે ભાણિયા હતા, પછી પાર્થને ચારવાર નિવેદન લઈને જવા દેવામાં આવ્યો. પાર્થ જો આરોપી હોત તો તેને તરત અટક કરી લેવો હતો ને? છતાંય તેને અટક કર્યો નહીં, ચાર-ચાર નિવેદન લઈને તેને જવા દેવામાં આવ્યો. મારા દાદાના દીકરાએ 3 ઓક્ટોબરે પિટિશન દાખલ કરી એમાં આરોપીનાં નામ જાહેર કરી દીધાં છતાંય 12 નવેમ્બરના રોજ પાર્થને અમારા ઘરેથી પકડીને આરોપી બનાવે છે. બનાવ એવો આખો છે કે જે દિવસે મારા ઘરેથી પાર્થની ધરપકડ થઈ એ દિવસે મારી માસીની દીકરીનો ભાણિયો એક્સપાયર થઈ ગયેલો હોય અને હું પીપરલા ગામે ગયેલી હતી લૌકિક કામથી. હું કોબડી ટોલનાકાથી પસાર થઈ મારી ગાડી રોયલ પાર્કમાં હું જ રહું છું એ સોસાયટીમાં સીસીટીવી છે.'

'350 કિલોમીટર સુધી મને વોશરૂમ જવા ન દીધી'

મને એટ્રોસિટીમાં આરોપી બનાવવાની હતી અને મારી જેલ એન્ટ્રી હતી. આ કારણે હું 15 તારીખે ફરાર થઈ ગઈ હતી અને આગોતરા જામીન માટે અરજી કરી હતી. હું મુંબઈથી અમદાવાદ આવી રહી હતી ત્યારે મુંબઈ અને સુરતના ટોલનાકા વચ્ચે પી.આઈ. ઝેબલિયા સાહેબ અને તેમના સ્ટાફ સાથે મારી ધરપકડ કરી, મેં રિકવેસ્ટ કરી સાહેબ, હું કોઈ ટેરરિસ્ટ નથી, કોઈ આતંકવાદી નથી, તમે મારી સાથે આટલું મિસબિહેવ કરો છો છતાં તેમણે કહ્યું કે નહીં, ઉપરથી ઓર્ડર છે. હું તમને કોલ કરવા નહિ દઉં. કંઈ વાંધો નહિ, પછી મેં કહ્યું, સાહેબ વોશરૂમ જવું છે. 10-12 વાર મેં રિકવેસ્ટ કરી છતાં તેમણે કોઈ જવાબ ન આપ્યો. 350 કિલોમીટર સુધી મને વોશરૂમ જવા પણ ન દીધી.

'પાંચ ગુના દાખલ કર્યા..'

એ બાદ જેલ થાય છે ત્રણ ગુના હતા જ મારા પર, મારી જેલમાં યોગ્ય રીતે તપાસ ન થવાને કારણે મારા પર ચોથો ગુનો દાખલ કરે છે અને એ પણ જેલ સુપરિન્ટેન્ડેન્ટની મંજૂરી વગર, ડીવાયએસપી રીમા ઝાલા મારા પર જબરદસ્તી ચોથો ગુનો લાગુ પાડે છે અને પછી મને જામીન મળે છે. બહાર આવી ત્યારે વધુ એક ગુનો મારા પર દાખલ કરવામાં આવ્યો છે.  રીમા ઝાલા દ્વારા તદ્દન ખોટા ગુના દાખલ કરીને મારું ઘર વેરવિખેર કરી નાખવામાં આવ્યું હોય છતાં આજે પાંચમો ગુનો મારી માથે દાખલ કરી દેવામાં આવે છે. પહેલીવાર જ્યારે બનાવ બન્યો ત્યારે રીમા ઝાલાને મળવા ગઈ ત્યારે જ કીધું હતું કે તારી અને તારા પરિવારની જિંદગી બરબાદ કરી દઈશ. DySP રીમા ઝાલા તેમને સતત માનસિક ત્રાસ આપે છે અને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરે છે. 

DySP રીમાબા ઝાલાએ આરોપો ફગાવ્યાં

સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાના કથિત આરોપ પર જ્યારે  DySP રીમાબા ઝાલાને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, 'નયનાબેને જે પણ આક્ષેપ કર્યા છે એમાં તપાસ કરનાર અધિકારી હું એક જ ગુનામાં છું. એમાં વીડિયો ઝડતીના આધારે પંચનામુ કરવા મારા પી.આઇ ગયા હતા, તેમના ઘરેથી આરોપી મળી આવતા લીગલ પ્રોસિજર કરી હતી. પોલીસે જ આ રીતે આરોપીને શરણ આપશે તો કઈ રીતે થશે. એટલે આપણે જે તે સમયે કાયદાકીય કાર્યવાહી કરી હતી. જે તે સમયે બીજા બે ગુના દાખલ થયા હતા. PI જે હાજર હતા તેમની સાથે ગેરવર્તણૂંક થઈ હતી એટલે PIએ ખુદ કરાવ્યા હતા અને ઘરેથી દારૂની બોટલ મળી આવી હતી, એટલે જે લોકલ પોલીસ સ્ટેશન હતું એને દાખલ કરાવ્યા હતા. આ સો ટકા પોલીસને દબાણમાં લાવવાનો પ્રયાસ છે, મારે ક્યાં એની સાથે જૂનો સંબંધ છે કે મારે એની સાથે ષડયંત્ર કરવું પડે. તે ષડયંત્ર અત્યારે પોતાને બચાવવા માટે કરે છે, DYSPને એટલે ટાર્ગેટ કરે છે કે બગદાણાની જે કંઈ મેટર થઈ છે એટલે થોડી તેને હાઇપ મળે, સહાનુભૂતિ મળે અને લોકોને એમ થાય કે બેન બહુ સાચા છે.'

નયના બારૈયાનું પ્રેમ પ્રકરણ?

મહત્વનું છે કે 9 ફેબ્રુઆરી રોજ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે પાંચમો ગુનો નોંધાયો છે. જેમાં તળાજા તાલુકાના બોરડા ગામના મૂળ વતની અને હાલ સુરતમાં રહેતા પ્રેમીની પત્નીએ પતિને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. નયના બારૈયાએ કરેલા મેસેજના સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડ પેનડ્રાઈવમાં સંગ્રહ કરી પુરાવા તરીકે રજૂ કર્યા છે.