નેપાળ હિંસાઃ બે દિવસમાં ભાવનગરના 87 પ્રવાસીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા, જણાવી ત્યાંની હકીકત
Bhavnagar Tourist Returned from Nepal: નેપાળમાં ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ સહિતના પ્રશ્નોને લઈ યુવાનોએ Gen-Z નામે આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલને બીજા દિવસે હિંસક સ્વરૂપ ધારણ કરતા પશુપતિનાથ અને અન્ય ધાર્મિક સ્થળોએ યાત્રામાં ગયેલા ભાવનગર જિલ્લાના પ્રવાસીઓ ફસાયા હતા. જોકે, બુધવારે (10 સપ્ટેમ્બર) બપોરે પોખરાથી સલામત ભારત પહોંચી જતાં યાત્રિકો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
43 પ્રવાસીઓ ભારત પહોંચ્યા
નારી ગામ, સિહોર, વરતેજ સહિતના ગામોમાંથી કુલ 36 પ્રવાસી, રસોયા, આયોજન મળી કુલ 43થી વધુ લોકો મંગળવારે નેપાળમાં ફાટી નીકળેલા તોફાનના કારણે પોખરાની એક હોટલમાં ફસાયા હતા. માં ટૂર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજીત પ્રવાસમાં મોટાભાગના વૃદ્ધો હતાં, જે વિસ્ફોટક સ્થિતિથી ગભરાઈ ગયા હતા. આ દરમિયાનમાં ભાવનગરના રાજકીય નેતાઓ, સ્થાનિક વહીવટી તંત્રએ તેઓનો સંપર્ક કરી વહેલી તકે નેપાળમાંથી બહાર કાઢવા આશ્વાસન આપ્યું હતું. બુધવારે સવારે નેટવર્ક ઈસ્યુના કારણે તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. બાદમાં બપોરે સંપર્ક થતાં તેઓ ટુરિસ્ટ બસમાં જ બેસી પોખરાથી નીકળી ગયા હતા અને રાત સુધીમાં ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે સુરક્ષિત રીતે પહોંચ્યા હોવાનું જિલ્લા વહીવટી તંત્રએ સત્તાવાર રીતે જણાવ્યું છે.
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, પોખરામાં 43 તેમજ કાઠમાંડુમાં સિહોરના બે મળી કુલ 45થી વધુ યાત્રાળુઓ ફસાયા હતા. તેમની તમામ માહિતી ગાંધીનગર રેઝીડેન્ટ કમિશનર, ભારતીય દૂતાવાસને મોકલી આપી છે. મંગળવારે રાત્રે પણ ભાવનગરની એક બસના 42 જેટલા પ્રવાસીઓ સુરક્ષિત રીતે ભારત પહોંચ્યા હતા.
એક બસ રાત્રે જ નેપાળ બોર્ડર પાર ભારત આવી
ભાવનગર શહેરમાંથી પણ એક ખાનગી લકઝરી સ્લીપર બસ નેપાળ ગઈ હતી. આશરે 35 જેટલા યાત્રાળુઓ સાથેની આ બસ મંગળવારે રાત્રે જ જનકપુરથી નેપાળ બોર્ડર પાર કરી ભારત આવી ગઈ હતી. ભાવનગર જિલ્લા ટુર એન્ડ ટ્રાવેલ્સ એસો.ના પ્રમુખ રાજભા ગોહિલે જણાવ્યું કે, નેપાળમાં હિંસક આંદોલન ચાલી રહ્યું છે. પરંતુ ત્યાંના સ્થાનિકો કોઈ યાત્રાળુઓને નુકસાન નથી પહોંચાડી રહ્યા. પોખરામાં ગુજરાતી યાત્રાળુઓને હોટલ માલિકો દ્વારા વિનામૂલ્યે રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તેમજ યાત્રાળુઓની બસને આર્મીના બંદોબસ્ત સાથે સુરક્ષિત સ્થાન સુધી પહોંચાડવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ વડોદરાની કોર્ટમાંથી ફરાર થયેલો દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો
પોલીસે પાઇલોટિંગ આપ્યું, સ્થાનિકોની મદદ મળી
નેપાળના હિંસક આંદોલનમાં ફસાયેલી ભાવનગરની ખોડિયાર ટ્રાવેલ્સની બસ યાત્રાળુઓ સાથે હેમખેમ બોર્ડર પાર કરી ચુકી છે. આ બસ ગત 29 ઓગસ્ટે ભાવનગરથી 35 મહિલા-ચાત્રાળુઓ અને સ્ટાફ મળી 40 થી 42 લોકો સાથે ટુર માટે નીકળી હતી. નેપાળમાં પશુપતિનાથ, મુક્તિધામ, પોખરા અને બાદમાં મંગળવારે બપોરે જનકપુર સાઈડસીન કરી રહ્યા હતા. ત્યારે સ્થિતિ બેકાબૂ થવા લાગતા નેપાળ પોલીસે દોડી આવી જનકપુરથી નીકળી જવા ભલામણ કરી તેમના વાહનનું પાઈલોટિંગ આપ્યું હતું. રસ્તામાં ટોળાએ ચાર કલાક સુધી બસને ઉભી રખાવી હતી. બસ ભારતીય પ્રવાસીઓની હોવાથી ટોળાએ એકપણ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કે બસને નુકસાન કર્યું નહતું અને બાદમાં બસને નેપાળ બોર્ડર ક્રોસ કરાવવામાં પણ પોલીસની સાથે સ્થાનિકોની મદદ મળી હતી. ટુરના આયોજક રીટાબહેન ચૌહાણ અને બસ ડ્રાઇવર લાલાભાઈએ જણાવ્યું કે, હાલ તમામ યાત્રાળુઓ અયોધ્યા રોકાયા છે.