નવરાત્રિ પહેલાં મોટો ચુકાદો: સુરત દુષ્કર્મ કેસના આરોપીને 20 વર્ષની કેદ, પીડિતાને 6 લાખનું વળતર આપવાનો આદેશ
Surat News: સુરતના અડાજણ વિસ્તારમાં વર્ષ 2024માં નવરાત્રિ દરમિયાન 12 વર્ષની બાળા પર બળજબરીથી અનેકવાર દુષ્કર્મ ગુજારનાર 22 વર્ષીય આરોપી રાહુલ ઉર્ફે પાલીસ દિપક ચૌહાણને સુરતની એડીશનલ સેશન્સ જજ ભાવેશ કે. અવાસિયાએ પોક્સો એક્ટ સહિતના ગુનામાં દોષી ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે આરોપીને રૂપિયા 1.75 લાખનો દંડ અને ભોગ બનનારને રૂપિયા 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
શું હતી ઘટના?
ઘટના નવેમ્બર-2024માં નવરાત્રિના ચોથા નોરતાની છે. અડાજણ વિસ્તારમાં રહેતો આરોપી રાહુલ ચૌહાણ (ઉંમર 22) 12 વર્ષ 8 માસની પીડિત બાળાને પોતાના ઘરે બોલાવીને બળજબરીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આ વાત કોઈને કહી દેવાની ધમકી આપીને તેણે બાળા સાથે એકથી વધુ વાર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિત બાળાની માતાએ 12 ફેબ્રુઆરી 2025ના રોજ અડાજણ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
કેસની ઝડપી સુનાવણી માટે અડાજણ પોલીસે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. સરકાર પક્ષે એપીપી દિપેશ દવેએ 10 સાક્ષીઓ અને 29 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેમાં પીડિત બાળાની જુબાની, મેડિકલ પુરાવા અને અન્ય સાક્ષીઓની જુબાની મુખ્ય હતી.
બચાવ પક્ષે દલીલ કરી હતી કે આ ગુનામાં કોઈ પ્રત્યક્ષ સાક્ષી નથી અને પીડિતા તથા આરોપી વચ્ચે મિત્રતાના સંબંધો હતા. તેમણે એ પણ દલીલ કરી હતી કે ઘટનાના 20 દિવસ પછી ફરિયાદ નોંધાઈ હોવાથી તે વિલંબિત છે અને FSL રિપોર્ટમાં કપડાં પર કોઈ ડાઘ મળ્યા નથી.
જોકે, કોર્ટે બંને પક્ષોની દલીલો અને રેકોર્ડ પરના પુરાવા ધ્યાનમાં લીધા બાદ આરોપીને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે પીડિત બાળા માત્ર 12 વર્ષની સગીર છે અને 22 વર્ષીય આરોપીએ આ વાત જાણતા હોવા છતાં તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. આવા ગુનાઓ સમાજમાં વધી રહ્યા હોવાથી દાખલો બેસે તે માટે આરોપીને કડક સજા થવી જરૂરી છે.