વડોદરાની કોર્ટમાંથી ફરાર થયેલો દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો
Vadodara Police : વડોદરાના ચકચારી દીપેન મર્ડર કેસનો મુખ્ય આરોપી હાર્દિક કોર્ટમાંથી ફરાર થઈ ગયા બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે તેને દબોચી લીધો છે.
દરજીપુરા આરટીઓ નજીક રહેતા અને નંબર પ્લેટની એજન્સી ધરાવતા દીપેન પટેલની મે મહિનામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તેની લાશ હાલોલ પાસે કેનાલમાંથી મળી આવી હતી જ્યારે કાર અનગઢ મહીસાગરમાંથી મળી હતી. કારમાંથી દીપેનના ચંપલ, પથ્થર તેમજ અન્ય ચીજો મળ્યા હતા.
સમગ્ર બનાવમાં મુખ્ય હત્યારો મૂળ ભાવનગરનો હાર્દિક પ્રજાપતિ હોવાનું ખુલ્યું હતું. જે દીપેનનો મિત્ર હતો અને તેના ઘર પાસે ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિક એક યુવતીના ચક્કરમાં હોવાથી દીપેને તેને ઠપકો આપ્યો હતો, જેથી પ્રેમમાં આડખીલી રૂપ બનતા દીપેનની કારમાં લિફ્ટ લઈને હાર્દિક પ્રજાપતિએ ઘાતકી હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. વળી પોલીસને કે કોઈને શંકા ન જાય તે માટે હાર્દિક દીપેનના પરિવારજનો સાથે તેને શોધવા માટે પણ ફર્યો હતો.
ગઈકાલે કોર્ટમાં આ કેસની તારીખ હતી ત્યારે હાર્દિક તેમજ તેના ભાઈ હિતેશને રજૂ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન તે કોર્ટની કેન્ટીનમાં પાણી પીવાના નામે પોલીસ સાથે ગયો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ બાદ પોલીસની ટીમો દોડતી થઈ હતી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાર્દિકને સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે.