Get The App

ભરુચ પોલીસ બેડામાં મોટા ફેરફાર : 5 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 70 કર્મીઓની બદલી

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
ભરુચ પોલીસ બેડામાં મોટા ફેરફાર : 5 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 70 કર્મીઓની બદલી 1 - image


Gujarat Police News: ભરુચ જિલ્લા પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી બદલીઓનો દોર ચાલી રહ્યો છે. જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ એક મહત્ત્વપૂર્ણ આદેશ જારી કરીને જિલ્લાના 70 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી કરી છે. આ મોટા ફેરફારને કારણે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

વર્ષોથી એક જ સ્થાને ફરજ બજાવતા કર્મીઓ પર ગાજ

પોલીસ વિભાગ દ્વારા વહીવટી પારદર્શિતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે આ આકરો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાય છે. 56 પોલીસકર્મીઓ છેલ્લા 5 વર્ષ કે તેથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેમની બદલી કરવામાં આવી છે. વહીવટી અનુકૂળતા અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને અન્ય 14 પોલીસકર્મીઓની પણ બદલીના આદેશ અપાયા છે.

બદલીઓનો બીજો તબક્કો

અગાઉ પ્રથમ તબક્કામાં જિલ્લાના અનેક PI (પોલીસ ઇન્સ્પેક્ટર) અને PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ની બદલી કરવામાં આવી હતી. હવે બીજા તબક્કામાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની બદલી કરીને જિલ્લા પોલીસવડાએ સમગ્ર પોલીસ તંત્રને નવેસરથી ગોઠવવાની કવાયત હાથ ધરી છે. નવી નિમણૂકો બાદ હવે ભરુચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને તેવી આશા રાખવામાં આવી રહી છે.