ભારતમાલા પ્રોજેક્ટમાં રાજનેતા અને જમીન દલાલોને બખ્ખાં, ખેડૂતોને ઠેંગો, વળતરમાં ભેદભાવ
Bharatmala Project: ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન મુદ્દે વિરોધ વંટોળ ઊભો થયો છે કેમકે, ભ્રષ્ટ અધિકારીઓ સાથે મેળાપિપણું રચી ખેતીની જમીનોને બિન ખેતી કરી જંગી વળતર લેવા રીતસર ગોઠવણ પાડવામાં આવી છે. રાતોરાત એનએની ફાઇલો ક્લિયર થઈ રહી છે. આ કારણોસર ગરીબ ખેડૂતોને ધરાર અન્યાય થઈ રહ્યો છે જ્યારે મળતિયા બિલ્ડર, જમીન દલાલો ઉપરાંત રાજનેતાઓ ધૂમ કમાણી કરી રહ્યાં છે. હવે આ મામલે મહેસાણામાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના આરોપ
કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઇએ પત્રકાર પરિષદ યોજી આરોપ લગાવ્યો હતો કે, ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન થવાની વાત જાણી રાજકારણી, મળતિયા બિલ્ડરો, જમીન દલાલો ખેતીની જમીનોને બિન ખેતી કરાવી જંગી વળતર મેળવી રહ્યાં છે. થરાદ-અમદાવાદ એક્યોલા હાઇવે માટે જે જમીન સંપાદન થઈ રહી છે, જેના કારણે ખેતીની જમીનોને ભ્રષ્ટ તંત્ર-અધિકારી સાથે મેળાપિપણું રચી બિનખેતી કરવામાં આવી રહી છે. એક્સપ્રેસ હાઇવે માટેની જમીન માટે થરાદમાં ખેડૂતોને સ્કે. મીટરના 20 રૂપિયાથી વધુ ચૂકવવામાં આવ્યાં છે, જ્યારે બિલ્ડરો, જમીન દલાલો અને રાજનેતાઓના દીકરાઓને મીટર દીઠ 4300 રૂપિયા ચૂકવાયા છે. સરકાર પાસે જંગી વળતર મેળવવા માટે આખીય સુવ્યવસ્થિત રીતે ગોઠવણ પાડવામાં આવી છે.
ઉદાહરણ ટાંકતાં તેમણે કહ્યું કે, પાટણના બાલીસણાના એક બિલ્ડરની એનએની ફાઇલ માત્ર ચાર દિવસમાં ક્લિયર થઈ ગઈ. ખેતીની જમીન માટે સરકાર ઓછું વળતર ચૂકવી રહી છે ત્યારે ભાજપના મળતિયા કલેક્ટર કચેરીમાં ગોઠવણ પાડીને જમીનોની ફાઇલો મોટા પૈસા મેળવી રહ્યા છે. બનાસકાંઠામાં પણ એક પૂર્વ ધારાસભ્યના પુત્રએ પણ આ જ પ્રમાણે જમીન એનએ કરાવીને જંગી વળતર મેળવ્યુ છે. એવો પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, જો સામાન્ય વ્યક્તિ એનએ માટે અરજી કરે તો સમય વીતી જાય તો પણ ફાઇલ ક્લિયર થાય નહી. જ્યારે મળતિયા બિલ્ડરો-જમીન દલાલોના કામ ગણતરીના દિવસોમાં થઈ જાય છે.
ટ્રેક્ટર રેલી દ્વારા કરશે વિરોધ
આ મુદ્દાને ઉજાગર કરવા માટે કોંગ્રેસે મહેસાણામાં ટ્રેકટર રેલી યોજીને ગરીબ ખેડૂતોને પણ જમીનના બજાર ભાવ મળે તે માટે વિરોધ પ્રદર્શન કરવા તૈયારીઓ કરી છે.