'છોટી કાશી' જામનગરમાં ગણેશ મહોત્સવની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી: ગઈકાલે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય અપાઈ
'છોટી કાશી'ના ઉપનામથી પ્રચલિત જામનગર શહેરમાં ગણપતિ મહોત્સવની પણ ધામધૂમથી ઉજવણી થઇ હતી, અને શહેરના અનેક મોટા ચોક, નાની શેરી ગલ્લી, એપાર્ટમેન્ટના પાર્કિંગ સહિતના વિવિધ સ્થળો પર મોટી સંખ્યામાં 1 દિવસથી લઈને 10 દિવસ માટે ગણપતિ બાપ્પાનું સ્થાપન કરવામાં આવ્યું હતું, અને પ્રતિદિન ધાર્મિક કાર્યક્રમો, મહા આરતી વગેરેના આયોજન કરાયા હતા.
ગઈકાલે ગણપતિ સ્થાપન બાદ અનંત ચતુર્દશીના 11માં દિવસે કેટલાક ગણપતિ મંડળ ના સંચાલકો કે જેઓ દ્વારા 10 દિવસના ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જે તમામ ગણપતિ મંડળના આયોજકો દ્વારા 'ગણપતિ બાપા મોરિયા અગલે બરસ કો જલ્દી આ' ના નારા સાથે વાજતે ગાજતે ભગવાન ગણેશજી ની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું, અને શહેરમાં અનેક સ્થળે ગણપતિ વિદાય વેળાની 'ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ કો જલદી આ' ધુનો સંભળાઈ હતી. અને ભારે હૈયે પીગ્નાહર્તા દેવને ભાવભીની વિદાય અપાય હતી, અને ગણપતિની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે શહેરના અલગ અલગ વિસ્તારમાં બે વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા હતાં, જેમાં ગઈકાલ સુધીમાં કુલ 5046 ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણેશજીની સ્થાપના થઇ હતી, ત્યારબાદ પ્રતિદિન અન્યથા એકાંતરા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું , જેમાં ગઈ કાલે વિઘ્નહર્તા દેવને અંતિમ વિદાય અપાઇ હતી. પર્યાવરણની જાળવણી કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા બે કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે ગણપતિ વિસર્જનના અંતિમ દિવસે પ્રથમ નંબર ના વિસર્જન કુંડ કે જે વિશાલ હોટલ પાસે બનાવાયો હતો, તે સ્થળે ગઈકાલે 1187 સહિત 11 દિવસમાં 3,074 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
જયારે બીજો વિસર્જનકુંડ લાલપુર બાયપાસથી રણજીતસાગર જતાં સરદાર રીવેરા સોસાયટી પાસે બનાવાયો હતો, જ્યાં ગઈકાલે 11મા દિવસે 1076 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરાયું હતું. આમ કુલ 11 દિવસ દરમિયાન બંને વિસર્જનકૂંડના કુલ 5,046 ગણપતિની મૂર્તિનું વિસર્જન કરી લેવાયું છે.
જે બંને સ્થળે જામનગર મહાનગરપાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના વર્ક આસી. હિરેન સોલંકી ની રાહબરી હેઠળ ફાયર બ્રિગેડ તથા અલગ અલગ વિભાગની ટુકડી તહેનાત રાખવામાં આવી હતી, અને બંને વિસર્જન કુંડ માં કોઈ પણ પ્રકારની અગવડતા વિના ગણપતિ વિસર્જનની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.