જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ મેઘસવારી અવિરત ચાલુ: સમગ્ર જિલ્લામાં વધુ અડધાથી સવા બે ઈચ વરસાદ વરસ્યો
જામનગર જિલ્લામાં ભાદરવો ભરપૂર રહ્યો છે, અને સતત ૩ દિવસથી ધીંગી મેઘ સવારી જોવા મળી રહી છે. જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગઈકાલે મેઘરાજાનો રાઉન્ડ અવિરત ચાલુ રહયો હતો, અને અડધાથી સવા બે ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ પડી ગયા ના અહેવાલ પ્રાપ્ત થયા છે. ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે.જેના કારણે 11 ડેમો 100 ટકા ભરાયા છે, અને પાંચ ડેમ છલકાવાની તૈયારીમાં છે. જ્યારે લાખેણાં લાખોટા તળાવમાં પણ પાણીની આવક ચાલુ રહી છે.
જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ રહ્યું હતું અને છૂટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. ગઈકાલે સૂર્યદેવતા અલિપ્ત બન્યા હતા, અને આજે વહેલી સવારે 8: 00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન 14 મી.મી. પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
આ ઉપરાંત જોડિયામાં મેઘરાજાએ ગઈકાલે રાત્રે પણ મુકામ રાખ્યો હતો, અને આજે સવારે 8: 00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 54 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે ધ્રોળમાં 50 મી.મી., કાલાવડમાં 47 મી.મી., જામજોધપુરમાં ૨૪ મી.મી., અને લાલપુરમાં 3 મી.મી. વરસાદ નોંધાયો હતો. આજે પણ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ બંધાયો છે, અને છૂટાછવાયા અવિરત વરસાદી ઝાપટા વરસી રહ્યા છે, અને હજુ પણ વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ધોધમાર ૬૦ મી.મી. વરસાદ નોંધાયો હતો, જયારે કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં 47 મિ.મી., નિકાવા ગામમાં 48 મી.મી., મોટા વડાળામાં 46 મી.મી., જોડીયા તાલુકાના પીઠડ ગામમાં 53 મી.મી., બાલંભા માં 29 મી.મી. અને હડીયાણામાં 20 મી.મી. વરસાદ નોંધાયો હતો.
જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદના કારણે જિલ્લાના કુલ 25 ડેમો પૈકીના 11 જળાશયો 100 ટકા ભરાયેલા છે, જ્યારે અન્ય 6માં નવા નિર આવ્યા છે, અને તે પણ 90 ટકા ભરાઈ ગયા હોવાથી છલકાવાની તૈયારીમાં છે, અથવા તો પાટિયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.
બાકીના 7 ડેમ કે જેમાં 60થી 65 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ બન્યો છે, અને હજુ પણ ધીમીધારે આવક ચાલુ રહી છે. જામનગર નજીક દરેડ સહિતના આસપાસના વિસ્તારમાં પડી રહેલા વરસાદના કારણે જામનગરના લાખોટા તળાવ માટે બનાવેલી દરેડની કેનાલ મારફતે નવા પાણીની આવક ચાલુ રહી છે, અને શહેરના લાખેણાં લાખોટા તળાવના ત્રણેય ભાગમાં પાણીની આવક વધી જવાથી સપાટી ઉપર આવી છે.