દાહોદ મનરેગા કૌભાંડમાં આખરે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને શરતો હેઠળ કોર્ટના જામીન
Dahod MGNREGA Scam Update: દાહોદ જિલ્લાના બહુ ચર્ચિત 71 કરોડના મનરેગા કૌભાંડમાં આખરે બંને મંત્રી-પુત્રોના શરતી જામીન મંજૂર થતા બંને ભાઈઓ સાંજે જેલ મુક્ત થયા છે. બીજી બાજુ ગાંધીનગરથી 10 જેટલી ટીમોના 3000 કામોની સ્થળ તપાસ માટે દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં ધામા નાંખ્યા છે.
સેશન્સ કોર્ટે આપ્યા શરતી જામીન
મનરેગા કૌભાંડમાં માલ સપ્લાય કરતી એજન્સીઓ સામે ત્રણ જુદી-જુદી ફરિયાદો દાખલ થઈ હતી. રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડના બંને દીકરા બળવંત ખાબડની કંપની શ્રી રાજ કન્સ્ટ્રક્શન કુ. પીપેરો અને કિરણ ખાબડની શ્રી રાજ ટ્રેડર્સે કરોડો રૂપિયાના કામો કાગળ ઉપર પૂર્ણ બતાવી બિલો પાસે કરાવી સરકાર સાથે છેતરપિંડી કરી હતી. ત્રણ જુદી-જુદી ફરિયાદોમાં છેલ્લાં દોઢ મહિનાથી બંને ભાઈઓ જેલમાં હતા. તેઓએ જામીન અરજી માટે ચીફ કોર્ટમાં અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ બંને ભાઈઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા સેશન્સ કોર્ટે બંને ભાઈઓને શરતી જામીન આપ્યા હતા. પોલીસ આ કેસમાં જ્યાં સુધી ચાર્જશીટ કોર્ટમાં રજૂ ન કરે ત્યાં સુધી બંને ભાઈઓ જિલ્લાની બહાર રહેશે.
શું મૂકી શરત?
બંનેના પાસપોર્ટ જમા લેવામાં આવશે. એટલું જ નહીં કોર્ટની તારીખો પર બંને ભાઈઓને ફરજિયાત હાજર રહેવું પડશે, તેવી શરતો જામીન માટે રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ VIDEO : વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબક્યાં
31 એજન્સી સામે ચાલી રહી છે તપાસ
71 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં જામીન મળ્યા બાદ બંને મંત્રી પુત્રોના જામીન રદ કરવા માટે પોલીસે હાઇકોર્ટમાં દાદ માંગી હતી, જેની સુનાવણી હાલ પેન્ડિંગ છે. ત્રણેય ફરિયાદોમાં અત્યાર સુધીમાં 14 પ્રોપરાઇટર સહિત 20ની ધરપકડ થઈ છે અને 31 જેટલી એજન્સીઓ સામે તપાસ ચાલી રહી છે.