Get The App

મુંદ્રામાં પોલીસ પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ બદલ 300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
મુંદ્રામાં પોલીસ પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ બદલ 300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ 1 - image


Mundra News : કચ્છના મુન્દ્રામાં કાંડાગરા ગામ પાસે આવેલી MPL કોલોની ખાતે પોલીસ પર પથ્થરમારો અને વાહનો પર તોડફોડ-આગ ચાંપવાની ઘટનાને લઈને પોલીસે 300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે પોલીસે 33 શખસની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

મુન્દ્રાની MPL લેબર કોલોનીમાં આપઘાત કેસ મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડવાને બાબતે મામલો બિચક્યો હતો. જેમાં શ્રમિકોના ટોળાએ પોલીસ પર હુમલો પથ્થરમારો કર્યો અને સરકારી વાહનોમાં તોડફોડ કરીને આગ ચાંપી હતી. 

મુંદ્રામાં પોલીસ પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ બદલ 300 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ 2 - image

શ્રમિકોના હુમલાની ઘટના વખતે અન્ય પોલીસકર્મી ઘટનાસ્થળે આવીને જેમ-તેમ કરીને આપઘાત કરનાર શખસના મૃતદેહને એમ્બ્યુલન્સમાં રવાનો કર્યો હતો. એટલામાં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને ધોકા લઈને પોલીસ જીપમાં તોડફોડ કરી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ બે ખાનગી કારને નીશાને બનાવીને તોડફોડ કરીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનામાં 9 પોલીસકર્મીને નાની-મોટી ઈજા પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે ફોટો અને વીડિયોના આધારે 7 વ્યક્તિની ઓળખ કરીને નામજોગ ફરિયાદ નોંધી  હતી. આ પછી વધુ શખસના નામ ખુલતા તેઓની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો: VIDEO | કચ્છ: મુન્દ્રામાં મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહન ફૂંકી માર્યું, એક અફવાથી ફેલાયો ઉશ્કેરાટ


શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, મુન્દ્રામાં MPL લેબર કોલોનીમાં નીરજકુમાર ભાગેન્દ્ર મહતો(ઉં.વ.31) નામના શખસે આપઘાત કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં ગત મંગળવારે(17 ફેબ્રુઆરી) રાત્રે પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાની કવાયત હાથ ધરી હતી. જોકે, અન્ય મજૂરોએ મૃતકના પરિવારજનો ન આવે ત્યાં સુધી મૃતદેહ ન લઈ જવા પોલીસ સમક્ષ માંગણી કરી હતી. આ દરમિયાન મજૂરોને ઉશ્કેરાયેલા જોઈને પોલીસ પરત ફરી હતી. તેવામાં પોલીસે મૃતદેહ લઈ જવા બળજબરી કરી હોવાની અફવા ફેલાતા કેટલાક મજૂરોએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ઉશ્કેરાયેલા લોકોએ સરકારી જીપ અને બે ખાનગી કાર સહિત ત્રણ વાહનમાં તોડફોડ કરીને આગ ચાંપી હતી.