Amreli News : અમરેલીના લાઠી તાલુકાના દામનગર ખાતે ઠાસા રોડ પર બ્રિજના ખાતમુહૂર્ત કાર્યકર્મ દરમિયાન આજે(8 માર્ચ) ધારાસભ્યની હાજરીમાં જ ભાજપના મહામંત્રી પર હિચકારો હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.
ભાજપના ધારાસભ્યની હાજરીમાં જ દામનગર શહેર મહામંત્રીની પર ઘાતક હુમલો
મળતી માહિતી મુજબ, લાઠીના ઠાસા રોડ પર બ્રિજનું આજે રવિવારે સવારે 10:30 વાગ્યા આસપાસ ખાતમુહૂર્તનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ દરમિયાન દામનગર ભાજપના મહામંત્રી પ્રકાશ તજા ભાજપના જ નેતાએ ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. ભાજપના મહામંત્રી પર હુમલો થયો ત્યારે ધારાસભ્ય જનક તળાવીયા ઘટનાસ્થળે હાજર હતા.
હુમલાની ઘટનાને પગલે ઈજાગ્રસ્ત થતાં પ્રકાશ તજાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હુમલો કરનાર અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર હિરાભાઈ નવાપરા છે.
ધારાસભ્યએ શું કહ્યું?
ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, 'બ્રિજના ખાતમુહૂર્તની વિધિમાં ઠાસા ગામના વતની હિરાભાઈ નવાપરા અચાનક ત્યાં આવીને પ્રકાશ વજા પર હુમલો કર્યો છે. તેઓના ફેમિલી અદાવતના કારણે આ હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે. પ્રકાશભાઈને હાલ ભાવનગરની ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. તેમની સાથે ટેલિફોનિક વાત થઈ છે, એટલે હાલ પ્રકાશભાઈની તબિયત સારી હોવાનું જણાય છે. હુમલા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.'
દામનગરમાં ભાજપના મહામંત્રી પર હુમલાની ઘટનાને લઈને પોલીસે કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.


