For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોગસ ડિગ્રી-માર્કશીટ કૌભાંડમાં ATS અને સેન્ટ્રલ I.Bએ આરોપીઓની પુછપરછ કરી

મુખ્ય સુત્રધારો દરેક રાજ્યમાં રેકેટ ચલાવતા હોવાથી પ્રાથમિક તપાસમાં આરોપીઓની સંખ્યા 250 થી વધુ

હજુ પડદા પાછળના સુત્રધારો ઝડપાયા નથી : વિવિધ એજન્સી સંકલન કરી તપાસ કરશે

Updated: Mar 28th, 2024

બોગસ ડિગ્રી-માર્કશીટ કૌભાંડમાં ATS અને સેન્ટ્રલ I.Bએ આરોપીઓની પુછપરછ કરી

- મુખ્ય સુત્રધારો દરેક રાજ્યમાં રેકેટ ચલાવતા હોવાથી પ્રાથમિક તપાસમાં આરોપીઓની સંખ્યા 250 થી વધુ

- હજુ પડદા પાછળના સુત્રધારો ઝડપાયા નથી : વિવિધ એજન્સી સંકલન કરી તપાસ કરશે


સુરત, : રાષ્ટ્રવ્યાપી ડિગ્રી-માર્કશીટ કૌભાંડમાં એટીએસ અને સેન્ટ્રલ આઈબીએ ઝડપાયેલા આરોપીઓની આખો દિવસ પુછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે.મુખ્ય સુત્રધારો દરેક રાજ્યમાં રેકેટ ચલાવતા હોય આરોપીઓની સંખ્યા પ્રાથમિક તપાસમાં 250 થી વધુ હોવાની શક્યતા છે.હજુ પડદા પાછળના સુત્રધારો ઝડપાયા નથી તેથી વિવિધ એજન્સી સંકલન કરી તપાસ કરશે તેવું જાણવા મળ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સિંગણપોર પોલીસે એક અરજીની તપાસના આધારે બોગસ માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ અને અન્ય પ્રમાણપત્રો બનાવવાના રાષ્ટ્રવ્યાપી રેકેટને ખુલ્લું પાડી કતારગામ આંબાતલાવડી પાટીદાર ભવનની સામે ઝીરકોન પ્લસ સ્થિત ડીવાઈન ઈન્ટરનેશનલમાં રેઈડ કરી નિલેશ મગનભાઈ સાવલીયાને 137 સર્ટિફિકેટ સાથે ઝડપી લીધો હતો.બાદમાં દિલ્હીમાં હાજર સિંગણપોર પોલીસની એક ટીમે રાષ્ટ્રવ્યાપી રેકેટમાં મુખ્ય સૂત્રધારો પૈકીના એક રાહુલ રૂપચંદ સૈનીને ઝડપી પાડી તેના ઘરની જડતી લેતા તેના ઘરમાંથી જુદાજુદા રાજ્યની યુનિવર્સીટી અને બોર્ડની 60 નકલી ડિગ્રી-સર્ટિફિકેટ મળ્યા હતા.સિંગણપોર પોલીસે અત્યાર સુધીમાં આ રેકેટમાં સુરત, દિલ્હી અને સેલવાસથી કુલ છ આરોપીની ધરપકડ કરી 217 બોગસ ડિગ્રી-સર્ટિફિકેટ કબજે કર્યા છે.

સમગ્ર રેકેટ રાષ્ટ્રવ્યાપી હોવાનો ખુલાસો રાહુલ સૈનીની પુછપરછમાં થતા હવે સેન્ટ્રલ આઈબી અને ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.સેન્ટ્રલ આઈબી અને એટીએસના અધિકારીઓએ છેલ્લા બે દિવસ દરમિયાન આખો દિવસ અત્યાર સુધી ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરી હતી.તેમની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય સુત્રધારો દરેક રાજ્યમાં રેકેટ ચલાવતા હોય આરોપીઓની સંખ્યા 250 થી વધુ છે.હાલ પડદા પાછળના મુખ્ય સુત્રધારો પકડવાના બાકી હોય વિવિધ એજન્સીઓની સાથે સંકલનમાં રહીને સિંગણપોર પોલીસ તપાસ કરશે તેવું જાણવા મળ્યું છે.

Article Content Image

દિલ્હીમાં એક આરોપી પોલીસથી બચી ભાગી છૂટ્યો : ઘર પાસે તેની કારમાંથી 36 માર્કશીટ અને રોકડા રૂ.2 લાખ મળ્યા

સુરત, : દિલ્હી તપાસ માટે ગયેલી સિંગણપોર પોલીસની ટીમને સાઉથ દિલ્હીના સંગમ વિહાર ખાતે રહેતા સોહરાબખાન મોહમદ આસ અંગે વિગતો મળતા તેને પકડવા તજવીજ હાથ ધરી હતી.જોકે, અગાઉ ઝડપાયેલા આરોપીઓ અંગે જાણ થતા તે પોતાની કારમાં ડુપ્લીકેટ માર્કશીટનો તમામ સામાન મૂકી ઘરેથી રવાના થતો હતો ત્યારે જ પોલીસ પહોંચી હતી.સોહરાબખાન પોલીસને ચકમો આપી ભાગવામાં સફળ રહ્યો હતો.જોકે, પોલીસે તેની બલેનો કારની જડતી લેતા તેમાંથી 26 નામ સાથેની અને 10 કોરી માર્કશીટ, અંદાજીત રોકડા રૂ.2 લાખ, પ્રિન્ટર, લેપટોપ, ટેબલેટ, કૉમ્પ્યુટર, મોબાઈલ ફોન, પેનડ્રાઈવ, સ્ટેમ્પ, ચેકબુક વિગેરે મળતા તે કબજે કર્યા હતા.

અન્ય આરોપીઓને પકડવા સિંગણપોર પોલીસની ખાસ ટીમ દિલ્હી રવાના

સુરત, : દિલ્હી તપાસ માટે ગયેલી એક ટીમ સુરત પરત ફર્યા બાદ હવે સિંગણપોર પોલીસ મથકની એક ખાસ ટીમ દિલ્હી રવાના થઈ છે.11 સભ્યોની ટીમ રાષ્ટ્રવ્યાપી ડિગ્રી-માર્કશીટ કૌભાંડના અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ કેન્દ્રીત કરશે.

Gujarat