નવી પદ્ધતિઓ સાથે દેશમાં કેટલા આતંકી જૂથો સક્રિય? ATS અને એજન્સીઓએ હાથ ધરી તપાસ

| AI IMAGE |
Terror Groups Active in India: ગુજરાતમાં દોઢ દાયકા પછી ફરી એક વખત આતંકવાદની ભારે ચર્ચા છે. ઇન્ડિયન મુજાહિદ્દીનના મહોરા તળે દેશભરમાં ફેલાવાયેલા આતંકની કમ્મર વર્ષ 2008માં ગુજરાત પોલીસે તોડી હતી. 17 વર્ષ પછી રાજસ્થાન સરહદથી ડ્રોનથી ત્રણ પિસ્તોલ અને કારતૂસ ઘુસાડાયા તે લઈને જતાં બાયોટેરર ફેલાવવાના મનસુબા સેવતા ત્રણ આતંકવાદીને ગુજરાત એટીએસએ પકડી પાડ્યા.
આ ઘટનાક્રમના કલાકોમાં જ દિલ્હીમાં ભારે ભીડ વચ્ચે કારમાં વિસ્ફોટ થયો તે સાથે જ આતંકીઓના ડૉક્ટર્સ-મોડ્યુલની મોડસ-ઓપરેન્ડી ખૂલ્લી પડી છે. આ બે ઘટનાએ બાયોટેરર, ડાર્કવેબ ઉપરાંત નાર્કો ટેરરિઝમના ખતરાની ઘંટડી વગાડી છે. પેંતરાબાજી બદલી ભારતમાં આતંકવાદ પ્રસરાવવા પાકિસ્તાન સક્રિય હોવાના તથ્યો વચ્ચે દેશમાં કેટલા આતંકી જૂથો સક્રિય છે તે અંગે એજન્સીઓ ઊંડી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: 500થી વધુ લોકોને 'સાયબર ગુલામ' બનાવનાર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ અને માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ
પાકિસ્તાની આતંકવાદી જૂથોએ પેંતરાબાજી બદલી
એરંડાથી રાઇઝીન ઝેર બનાવી આતંક મચાવવાનો પ્લાન પકડાતાં ગુજરાત એટીએસ અને અન્ય રાજ્યની પોલીસ સાથે એન. આઇ. એ. દ્વારા સંયુક્ત તપાસ ચાલે છે. આઇ. એસ. કે. પી. નામે પાકિસ્તાનથી સંચાલિત આતંકી સંગઠનના ઇશારે હૈદરાબાદના ડૉ. અહેમદ સૈયદ અને બે સાગરિતો એરંડાના બીજમાં પ્રોસેસ કરીને આતંક ફેલાવવા સક્રિય બન્યાની વિગતો ખૂલી હતી. એરંડાથી આતંક મચાવવા ઇચ્છતા ત્રણ શખ્સોને તેમની સલામતી માટે પાકિસ્તાનથી તેમના આકાઓએ ત્રણ પિસ્ટલ અને 30 કારતૂસો મોકલ્યા હતા.
ચોંકાવનારી બાબત એ છે કે, રાજસ્થાન સરહદે ડ્રોનથી હથિયારો ઉતારાયા હતા તે ગુજરાતથી હૈદરાબાદ લઈ જવાતા હતા. હથિયારો સાથે પકડાયેલા આતંકવાદીઓ બાયોટેરરની તૈયારી કરતા હતા તેનો નવો ઘટસ્ફોટ પણ એટીએસની તપાસમાં થયો છે. એરંડાના બીજના તેલ ઉપર પ્રોસેસ કરી હવા, પાણી અને ખાવામાં ભેળવી લોકોને મોતને ઘાટ ઉતારવાના ખતરનાક ષડયંત્રમાં આતંકવાદીઓનું આઈએસકેપી સંગઠન સક્રિય હોવાની વિગતોથી એન. આઇ. એ.ની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું છે.
'ડૉક્ટર્સ મોડ્યુલ' અને ડાર્કવેબનો ખતરો
ગુજરાતમાં બાયોટેરરનો ઘટસ્ફોટ થયો તેના કલાકોમાં જ દિલ્હીમાં ભીડ વચ્ચે કાર બ્લાસ્ટ કરાયો તે સાથે જ આતંકીઓના ડૉક્ટર્સ મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ડૉક્ટરીનો અભ્યાસ કરી ચૂક્યા હોય તેવા યુવાનો ગુજરાત અને દિલ્હીની આ બે ઘટનાઓમાં સામેલ હતા તે બાબતે દેશની સુરક્ષા એજન્સીઓ, પોલીસને નવેસરથી વિચારવા મજબૂર કરી છે.
આ પણ વાંચો: આ કેવું ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત? લાંચિયા અધિકારીઓએ 9 કરોડ રૂપિયાની લાંચ લીધી
ગુજરાત પોલીસના સૂત્રોનું કહેવું છે કે, હવે આતંક મચાવવા માટે નવી પેઢી સાથે નવી પદ્ધતિઓનો સહારો લઈ રહી છે. સરહદ પાર એટલે કે પાકિસ્તાનથી નાર્કો-ટેરરિઝમ ઉપરાંત બાયોટેરરનો ઘટસ્ફોટ થયો છે. આતંક ફેલાવવા માટે પાકિસ્તાન કે બીજા દેશોમાં બેઠા બેઠા ડાર્કવેબનો ઉપયોગ કરીને ભારતના યુવાઓને બહેલાવવામાં આવી રહ્યા છે.
હવે આતંક માટે ડ્રોન અને ડાર્ક વેબનો ઉપયોગ થઈ રહ્યો છે. ઈન્ક્રીપ્ટેડ કોમ્યુનિકેશન સિસ્ટમ થકી ભારતના ભણેલા ગણેલા અમુક યુવતીઓ, યુવકોને ભડકાવી, ભટકાવીને આતંક ફેલાવવા પ્રયાસો થઈ રહ્યા છે. ઉચ્ચ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાત સહિત દેશના દરિયાકાંઠે ડ્રગ્સ ઉતારીને દેશના અને વિદેશના યુવાધનને નશાની આદત લગાવીને પૈસા કમાવાની યોજના અમલમાં છે. ભારતની અંદર અને ભારતમાંથી વિદેશમાં નાર્કોટિક્સનો વેપલો થાય તેવા પ્રયાસો ઉપર અંકુશ મેળવવામાં આવી રહ્યો છે. નાર્કો ટેરરિઝમ થકી કમાયેલા નાણાંનો ઉપયોગ ભારતમાં આતંક ફેલાવવા થઈ રહ્યો છે.
કેટલા આતંકી જૂથો સક્રિય?
પોલીસ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, લાંબા સમય પછી ભારતના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં આતંકી ગતિવિધિ જોવા મળી છે. આ પહેલાં ગુજરાત સહિતના પશ્ચિમ અને ઉત્તર ભારતમાં નાર્કોટિક્સના વેપલાને વિસ્તારવામાં આવ્યો છે. આ માટે પાકિસ્તાનથી સંચાલન થાય છે તેવા આતંકી સંગઠનો નવા- નવા નામો ધારણ કરીને સક્રિય છે. ભારતમાં છેલ્લા 20 વર્ષમાં 180 આતંકી જૂથો પકડાયા છે તેમાં પાકિસ્તાનથી સંચાલિત 10 સંગઠનોના નામ ચર્ચિત બની ચૂક્યા છે. કેન્દ્રિય એજન્સીઓના મતે ભારતના જુદા જુદા વિસ્તારોમાં ત્રણ ડઝન જેટલા જૂથો સક્રિય છે. આ આતંકી જૂથોમાં કેટલા સક્રિય છે તેની ઊંડી તપાસ આરંભાઈ છે.
ગુજરાતના ગામેગામ ATS-SOGની તપાસઃ દરિયાકાંઠે-સરહદો પર ઍલર્ટ
એરંડામાંથી રાઇઝીન ઝેર બનાવી એકસાથે અસંખ્ય લોકોને ખાવા-પીવામાં આપીને આતંક મચાવવાનો નવા પ્રકારનો ટેરર પ્લાન હોય કે બોમ્બ વિસ્ફોટ કરીને નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારવાના કાવતરાં.. હવે, આતંકને નેસ્તનાબૂદ કરવાની કડક સૂચના આપી પોલીસને પૂર્ણરૂપે સક્રિય કરાઈ છે. ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતના દરિયાકાંઠા અને એકાંતવાળી જમીનની સરહદોનો ઉપયોગ ઘુસણખોરી કે પછી વિસ્ફોટકો કે વાંધાજનક વસ્તુઓ ઘુસાડવા થઈ શકે છે.
આ વર્ષે આતંકી જૂથનો પર્દાફાશ કરવાનો પ્રારંભ કરનાર ગુજરાત એટીએસની ટીમ એન. આઇ. એ.ની સાથે જ અન્ય રાજ્યો અને ગુજરાતમાં એસ. ઓ. જી. સાથે સતર્ક અને સક્રિય બની છે. ગુજરાતના ગામેગામ એસ. ઓ. જી.ની ટીમો સાથે જ સ્થાનિક પોલીસને સતર્ક કરીને ચેકીંગ હાથ ધરાયું છે. એસ. ઓ. જી. દ્વારા ભૂતકાળમાં ચોપડે ચડી ચૂકેલા અને વર્તમાનમાં શંકાસ્પદ ગતિવિધિના આધારે આતંકના મદદગારોને ઓળખી કાઢવા માટે સતત ઝૂંબેશ ચાલી રહી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મરિન પોલીસ ઉપરાંત દરિયામાં મરિન સિક્યુરિટી તેમજ નેવીની ટીમો સતર્ક છે.

