Get The App

આ કેવું ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત? લાંચિયા અધિકારીઓએ 9 કરોડ રૂપિયાની લાંચ લીધી

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
આ કેવું ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત? લાંચિયા અધિકારીઓએ 9 કરોડ રૂપિયાની લાંચ લીધી 1 - image


Gujarat Anti Corruption Bureau: ગુજરાતને 'ભ્રષ્ટાચારમુક્ત' બનાવવાના દાવા અને 'ખાતો નથી, ખાવા દેતો નથી' જેવા નારાઓ વચ્ચે એક કડવી વાસ્તવિકતા સામે આવી છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના સત્તાવાર આંકડા મુજબ, રાજ્યની સરકારી કચેરીઓમાં પ્રજાના કામો રૂપિયા લીધા વગર થતા નથી. છેલ્લા આઠ વર્ષમાં (2018થી 31 ઓક્ટોબર 2025 સુધી) ઉચ્ચ અધિકારીઓથી લઈને વર્ગ-4ના કર્મચારીઓ અને વચેટિયાઓ કુલ રૂપિયા 9 કરોડની માતબર રકમની લાંચ લેતા પકડાયા છે. એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં આ સમયગાળા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને કુલ 3,517 સરકારી કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે.

પકડાયા તેનાથી અનેક ગણા વધુ?

આ આંકડાઓ એવા કર્મચારીઓના છે કે જેમની સામે પ્રજાજનોએ ફરિયાદ કરી અને એસીબીએ છટકું ગોઠવીને તેમને પકડી પાડ્યા. લોકોમાં એવી ચર્ચા છે કે, પગારથી સંતોષ ન હોવા છતાં બેફિકર બનીને લાંચ લેતા 3,517 કર્મચારીઓ તો માત્ર પકડાયા છે. વાસ્તવમાં, જેઓ પકડાયા નથી તેવા લાંચિયા સરકારી બાબુઓની સંખ્યા હજારોમાં હોઈ શકે છે. આ આંકડા એ વાતની સાબિતી આપે છે કે સરકારી કચેરીઓમાં 'નૈવેદ્ય' ધર્યા વગર પ્રજાના કામો થતા નથી, જે એક કડવી વાસ્તવિકતા છે.

કયા વિભાગમાં કેટલો ભ્રષ્ટાચાર?

એસીબીના આંકડાઓ વિભાગીય ભ્રષ્ટાચારની ગંભીર સ્થિતિ છતી કરે છે. રાજ્ય સરકારના વિભાગોમાં ગૃહ વિભાગ લાંચ લેવામાં મોખરે છે. છેલ્લા આઠ વર્ષમાં ગૃહ વિભાગના, પોલીસ કોન્સ્ટેબલથી માંડી ઉચ્ચ અધિકારીઓ સહિત, કુલ 682 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. આ યાદીમાં બીજા ક્રમે પંચાયત વિભાગ છે, જેના 405 કર્મચારીઓ અને ત્રીજા ક્રમે મહેસૂલ વિભાગ છે, જેના 302 કર્મચારીઓ લાંચના છટકામાં ફસાયા છે.

આ કેવું ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત? લાંચિયા અધિકારીઓએ 9 કરોડ રૂપિયાની લાંચ લીધી 2 - image
આ કેવું ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત? લાંચિયા અધિકારીઓએ 9 કરોડ રૂપિયાની લાંચ લીધી 3 - image
આ કેવું ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત? લાંચિયા અધિકારીઓએ 9 કરોડ રૂપિયાની લાંચ લીધી 4 - image

Tags :